- બારીમાંથી પેટ્રોલ છાંટી રવિ સોલંકીએ કાંડી ચાંપી દેતાં ભારતીબેન દાઝી ગયાં : સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા
- પ્ર.નગર પોલીસે રવિ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા
રાજકોટ શહેરના જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતા મહિલાના ઘરમાં બગસરાના શખ્સે પેટ્રોલ છાંટી આગ ચાપી દીધી હતી. આગની આ ઘટનમાં ઘરમાં સુતેલા 50 વર્ષીય મહિલા ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહિલાની દીકરીનું સગપણ આ બગસરના શખ્સ સાથે કર્યું હોય પરંતુ તેના ચાલચલણ ઠીક ન હોય માટે બે માસ પૂર્વે સગપણ તોડી નાખ્યું હતું. ત્યારબાદથી આ શખસ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને બાદમાં માતા-પુત્રીને પતાવી દેવાની ધમકી પણ આપતો હતો. દરમિયાન ગઈકાલે આ શખ્સ ધસી આવી આ કૃત્ય આચર્યું હતું. આ અંગે પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટરમાં રહેતા ભારતીબેન રાજેશભાઈ પરમાર (ઉ.વ 50) નામના મહિલાને દાઝેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મહિલાએ હોસ્પિટલ બીછાનેથી તેના ઘરમાં બગસરાના શખસે પેટ્રોલ છાંટી આગ લગાડી હોવાનું જણાવતા તુરંત પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, મકાનમાં આગ લાગતા દાઝી ગયેલા ભારતીબેનને સંતાનમાં ચાર દીકરીઓ છે જેમાંથી દીકરી મધુનું સગપણ બગસરાના રવિ જેસુભાઈ સોલંકી સાથે કર્યું હતું. પરંતુ થોડા સમય બાદ રવિ સોલંકીના ચાલચલણ ઠીક ન હોય અને તેને દારૂ-જુગાર સહિતની લત હોય તેવું જાણવા મળતા બે માસ પૂર્વે આ સગપણ તોડી નાખ્યું હતું. જે બાબતથી રવિ અકળાયો હતો.
રવિ અવારનવાર ભારતીબેનને ફોન કરી સગપણ રાખવા માટે કહેતો હતો પરંતુ ભારતીબેને સ્પષ્ટપણે ઇન્કાર કરી દેતા છેલ્લા થોડા સમયથી તે ધમકી આપવા લાગ્યો હતો અને કહેતો હતો કે, માતા-પુત્રીને પતાવી દઈશ. દરમિયાન ગઈકાલે મોડી રાત્રિના રવિ અહીં ઘર પાસે આવ્યો હતો અને ઘરના દરવાજા બંધ હોય અને બારી ખુલ્લી હોય તેણે બારીમાંથી પેટ્રોલ છાંટી કાંડી ચાપી દેતા મકાનમાં આગ લાગી હતી. જેમાં ભારતીબેન ગંભીર રીતે દાઝી ગયા હતા.બનાવ અંગે પ્ર.નગર પોલીસે બગસરાના આ શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ભારતીબેનના પરિજનના જણાવ્યા અનુસાર રવિ સોલંકી ભારતીબેનને ફોન કરીને ધમકાવતો હોય અને મધુને તેના નોકરીના સ્થળે જઈને સંબંધ રાખવા માટે દબાવતો હતો. જે મામલે આશરે ચારેક વાર પ્ર.નગર પોલીસ મથકમાં આ શખ્સની હરકતો અંગે ફરિયાદ પણ કરાઈ હતી.