20 થી વધુ યુવાનો, 10 બાળકો ઈજાગ્રસ્ત: ચાર અગાસી પરથી પટકાતા ઘાયલ
ગુજરાતભરમાં ઉતરાયણની ઉજવણી હર્ષો ઉલ્લાસ ભેર કરવામાં આવી હતી. ત્યારે રાજકોટમાં પણ લોકોએ ઉત્સાહભેર પતંગ ચગાવી ઉતરાયણની ઉજવણી કરી હતી. જોકે ઉતરાયણની મજા સાથે સાથે પતંગની ઘાતક દોરી વડે અને અગાસી પરથી પટકાતા ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. રાજકોટમાં યુવાનો, બાળકો અને પ્રૌઢ સહિત અંદાજીત 50થી વધુ લોકોને ઘાતક દોરીએ ઈજા પહોચાડી હતી જયારે ચાર લોકોને અગાસી પરથી પટકાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શહેરમાં ઠેર ઠેર ચીચીયારીઓ અને ડી.જે.ના તાલ સાથે રાજકોટવાસીઓએ ઉતરાયણની મજા માણી હતી. પરંતુ સાથે સાથે કપાયેલી પતંગના દોરા અને અગાસી પરથી પટકાતા ઘણા શહેરીજનોને ઉતરાયણ પર ઈજાઓ પહોચી હતી. શહેરમાં અંદાજીત 50 થી વધુ લોકોને રસ્તામાં અથવા તો અગાસી પર પતંગની ઘાતક દોરીઓએ આંખ, નાક, કાન અને ગળા વાઢયા હતા. જેના માટે સીવીલ હોસ્પિટલ ખાતે સ્પેશિયલ માઈનોર ઓ.ટી. વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો.
બે દિવસમાં સિવિલ હોસ્પિટલ ખાતે 33 થી વધુ ઘાતક દોરીઓથી ઈજા પામેલા સારવાર થઈ હતી જેમાં સાત માસુમ બાળકોને ઘાતક દોરીએ હાથગળામાં ઈજાઓ પહોચાડી હતી જયારે 17 જેટલા યુવાનોને પણ ઘાતક દોરીથી નાની મોટી ઈજાઓ થતા અને સાતથી વધુ પ્રૌઢ અને વૃધ્ધોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે દર્દીઓને પતંગની ઘાતક દોરીએ નાક વાઢી નાખતા ગંભીર ઈજાઓ પહોચી હતી. ઉતરાયણ પર કપાયેલી પતંગની દોરીઓ રાહદારી રસ્તા પર વાહન ચલાવી જતા લોકોને ઘાયલ કર્યા હતા. રામાપીર ચોકડી પાસે રહેતો રમેશ ચીંગુભાઈ નામનો 19 વર્ષનો યુવાન રૈયાગામ પાસે બાપા સીતારામ ચોક નજીક જતો હતોત યારે ગળાના ભાગે ઘાતક દોરીએ ઈજા કરતા યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જયારે અગાસી પર ઉતરાયણની મોજ માણતા બાળકો સહિત ચાર લોકો અગાસી પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જેમા બામણબોરમાં રહેતો અમિત દિનેશ સોરાણી નામનો 5 વર્ષનો બાળક કુવાડવા પાસેઅગાસી પર પતંગ ચગાવતી વેળાએ નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયો હતો. જયારે જામનગરમાં રહેતી અમિષા રાજેશભાઈ ચાવલા પોતાના ઘરે બાલ્કનીમાંથી પડી જતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આજીડેમ પાસે રામપાર્કમાં રહેતો રાજવીર બિરેન્દ્રભાઈ ચૌહાણ નામનો અઢી વર્ષનો માસુમ પરિવાર સાથે પતંગ ચગાવાની મજા માણી રહ્યો હતો ત્યારે અચાનક છત પરથી નીચેપટકાતા માસુમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
શહેરમાં ઉતરાયણની મોજ મજા સાથે ઘણા લોકોને પતંગન ઘાતક દોરી વડે અથવા અગાસી પરથી પટકાતા નાની મોટી ઈજાઓ થતા ઉતરાયણનું ખાટુ સંભારણૂ બની ગયું હતુ હોસ્પિટલમાં તહેવાર પર દોરીઓથી ઈજા પામેલા અને અગાસી પરથી પટકાયેલા દર્દીઓની ભીડ જોવા મળી હતી.