ઘરનો દરવાજો સળગતા પાણી છાંટી આગ બુઝાવી નાખી : બે મુસ્લિમ શખ્સો સામે નોંધાતો ગુનોે
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ખોડીયારનગરમાં પાડોશીઓ વચ્ચે ઘર પાસે કચરો ફેંકવા જેવી સામાન્ય બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી બે મુસ્લિમ શખ્સોએ કાવત્રુ રચી લુહાર યુવાનના ઘર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દીધાની ઘટના પોલીસમાં નોંધાતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખોડીયારનગરમાં ભાડાના મકાનમાં રહેતા કિશન ભરતભાઇ ડોડીયા (ઉ.વ.22) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા ઇલીયાસ દાદભાઇ ધુધા અને ભગવતીપરામાં રહેતા ઇકબાલ કાસમ સોરાનું નામ આપ્યું છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મજૂરી કામ કરતા કિશન ડોડીયાને પાડોશમાં રહેતા ઇલીયાસ સાથે ઘર પાસે કચરો ફેંકવા બાબતે બોલાચાલી થઇ હતી.
સામાન્ય માથાકૂટ બાદ આરોપીઓ ભેગા થઇ કાવત્રુ રહી ગઇકાલે બપોરે આરોપી ઇકબાલ સોરા જ્વલનશીલ પદાર્થ સાથે ફરિયાદી યુવાનના ઘરે ઘસી જઇ ઘર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દેતા ઘરનો દરવાજો સળગવા લાગ્યો હતો.આ વખતે ઘરમાં રહેલા કિશન ડોડીયાએ આરોપીને રોકવાનો પ્રયાસ કરતા આરોપી ગાળો દઇ નાસી ગયો હતો. બાદમાં ફરિયાદી યુવાને સળગતા દરવાજા પર પાણી છાંટી આગ બુઝાવી નાખી હતી.આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે પૂર્વયોજીત કાવત્રુ રચી મકાનને આગ ચાંપવા અંગેનો ગુંનો નોંધી બંને આરોપીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવની તપાસ પી.એસ.આઇ. એમ.એસ.મહેશ્ર્વરી ચલાવી રહ્યાં છે.