રાજકોટના ગુંદાવાડીમાં રહેતા સોની પરિવારના 9 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. ધંધાકિય વ્યવહારમાં મુંબઈના 4 શખ્સોએ રૂ. 1.95 કરોડનો ધુંબો મારી દેતા આર્થિક તંગીમાં સંપડાયેલા સોની પરિવારના સભ્યોએ ઉધઈ મારવાની દવા પી લેતા હાલ તમામને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર લલિત શહેરના ગુંદાવાડી વિસ્તારના ગોવિંદપરા સોસાયટીમાં રહેતા ચેતન આડેસરા (ઉ.વ.45), વલ્લભ આડેસરા (ઉ.વ.72), મીના આડેસરા (ઉ.વ.64), સંગીતા આડેસરા (ઉ.વ.41), વંશ આડેસરા (ઉ. વ. 15), દિવ્યા આડેસરા (ઉ.વ.43) જય આડેસરા (ઉ.વ.21), વિશાલ આડેસરા (ઉ.વ.43), હેતાન્શી આડેસરા (ઉ.વ.7)એ ઉધઈ મારવાની દવા ગટગટાવી લેતા હાલ તમામને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
એક જ પરિવારના 9 સભ્યોએ સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા શહેર પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. તેમજ આપઘાતનો પ્રયાસ કરવા પાછળનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જે મુજબ ચેતન આડેસરા ખત્રીવાડમાં સોની વ્યવસાય કરે છે. તેઓ મુંબઈના પ્રશાંત યશવંત પોસ્ટુરે સાથે વર્ષોથી ધંધો કરતા હતા. પ્રશાંત પોસ્ટુરેએ વર્ષ 2023માં ચેતન આડેસરાની મુલાકાત મુંબઈમાં માહી ગોલ્ડ નામે પેઢી ધરાવતા વિજય કૈલાશજી રાવલ સાથે કરાવી હતી.
ત્યારબાદમાં ચેતન આડેસરાએ વિજય રાવલ સાથે ધંધાકીય વ્યવહાર શરૂ કર્યો ગતો. તા. 3 ઓગસ્ટ 3023થી 15 ડિસેમ્બર 2023 સુધીમાં ચેતન આડેસરાએ વિજય રાવલને 6481 ગ્રામ સોનાના દાગીના મોકલાવ્યા હતા. જે પૈકી 3478 ગ્રામ સોનાના દાગીનાનું પેમેન્ટ વિજય રાવલે આરટીજીએસથી મોકલાવી દીધું હતું. જયારે 3003 ગ્રામ સોનાના દાગીનાની રકમ રૂ. 1,95,49,347 લેવાના બાકી રહ્યા હતા. જે બાદ અવાર નવાર વિજય રાવલ પાસે ઉઘરાણી કરવા છતાં પૈસાણી ચુકવણી કરવામાં આવી ન હતી.
ચેતન આડેસરાએ પ્રશાંત પોસ્ટુરે મારફત પણ ઉઘરાણી કરી હતી તેમ છતાં વિજય રાવલે પૈસા ચૂકવ્યા ન હતા. દરમિયાન ચેતન આડેસરાને ધ્યાને આવ્યું હતું કે, પ્રશાંત પોસ્ટુરે, વિજય રાવલ, નિર્મલકુમાર અને મહેન્દ્ર નામના ચાર શખ્સોએ સાથે મળીને ચેતન આડેસરા સાથે રૂ. 1.95 કરોડની છેતરપિંડીને અંજામ આપ્યો હતો. પોતાની મરણ મૂડી સમાન માતબર રકમ આ ચારેય શખ્સો ઓળવી ગયાં હોય અને ઘરની આર્થિક પરિસ્થિતિ કથળતી જતી હોય અંતે ચેતન આડેસરાએ પરિવાર સાથે સામુહિક આપઘાત કરી લેવા પ્રયાસ કર્યો હતો.
સાત વર્ષની માસુમ બાળકી હેતાંશીની સ્થિતિ ગંભીર
ગુંદાવાડીના એક જ પરિવારના નવ સભ્યોએ સામુહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તે પૈકી સાત વર્ષની માસુમ બાળકી હેતાંશી આડેસરાની જનાના હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. મળતી માહિતી મુજબ આ બાળકીની સ્થિતિ હાલ ગંભીર છે. નાણાકીય વ્યવહારમાં સાત વર્ષની નિર્દોષ બાળકી હાલ જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે.
બે માસ પૂર્વે ચેતન આડેસરાએ છેતરપિંડી અંગે પોલીસ સમક્ષ કરી હતી અરજી
સમગ્ર મામલામાં મળતી માહિતી મુજબ ચેતન આડેસરાએ પોલીસ કમિશ્નરને સંબોધી એક અરજી કરી હતી. જે અરજીમાં પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે તમામ માહિતીઓ આપવામાં આવી હતી તેમજ પોલીસ મરણમૂડી પરત લેવા મદદ કરે તેવી ગુહાર પણ લગાવી હતી. પરંતુ બે માસ વીત્યા છતાં હજુ સુધી આ અરજીની તપાસમાં શું ખુલ્યું? તપાસનો સ્ટેજ શું? આ અંગે કોઈ માહિતી મળવા પામી નથી.