રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમીટી દ્વારા આજે વર્ષ 2021-22ના રૂા.2291.24 કરોડના બજેટને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે રજૂ કરેલા કરબોજ વિહોણા રૂા.2275.80 કરોડના બજેટના કદમાં 15.44 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટની વિકાસયાત્રા સતત આગળ ધપતી રહે તે માટે બજેટમાં રૂા.56.70 કરોડના નવા 22 પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મહાપાલિકા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓના ઉપયોગ માટે છ ઈલેકટ્રીક કાર ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે બજેટમાં રૂા.1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, પર્યાવરણની સુરક્ષા માટે, ઈંધણ બચાવવા માટે અને પરંપરાગત ઈંધણથી ચાલતા વાહન નિભાવ મરામત માટે થતાં ખર્ચ ઘટાડવા માટે રાજકોટ મહાપાલિકા દ્વારા ક્ષેત્રીય કામગીરી માટે પેટ્રોલ કે ડિઝલ સંચાલીત કારનો ઉપયોગ કરવાને બદલે ઈલેકટ્રીક કાર વસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રારંભીક તબકકે 6 ઈલેકટ્રીક કાર વસાવવામાં આવશે જેના માટે 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત બજેટમાં શહેરીજનોની સુખાકારી માટે જુદા જુદા સ્થળોએ 10 ઈ-ટોયલેટ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટે પણ 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હાલ રેસકોર્સ સંકુલમાં, 2 ત્રિકોણબાગ ખાતે સીટી બસ સ્ટોપ પાસે 1 એમ કુલ 3 ઈ-ટોયલેટ કાર્યરત છે. ગીચ વિસ્તારોમાં પબ્લીક ટોયલેટની સુવિધા મર્યાદિત છે. સામાન્ય રીતે આ વિસ્તારો વ્યાપારીક હોય ત્યાં આવતા લોકોની સુખાકારી માટે વધુ 10 ઈ-ટોયલેટ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.