મેયર બિનાબેન આચાર્ય અને શાસક પક્ષના નેતા દલસુખ જાગાણીની ઉપસ્થિતમાં કરાર
શહેરમાં ૫૦ મીડી એસી ઈલે. બસો ચલાવવા માટે મેયર શ્રી બિનાબેન આચાર્ય તથા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણીની ઉપસ્થિતિમાં કંપની દ્વારા કરાર કરવામાં આવ્યો.
આજ તા.૦૭/૦૩/૨૦૨૦ના રોજ ૫૦ મીડી એસી ઈલે. બસો ચલાવવા માટે મેયર બિનાબેન આચાર્ય તથા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણીની ઉપસ્થિતિમાં મેસર્સ પીએમઆઈ ઈલેકટ્રો મોબીલીટી સોલ્યુશન્સ પ્રા.લી.ના પ્રતિનિધિ તથા રાજકોટ મહાનગરપાલિકાના ડે.કમિશનર સી.કે. નંદાણી દ્વારા કરાર કરવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોંડલ ચોકથી માધાપર ચોક (૧૦.૭૦ કીમી.) સુધી બી.આર.ટી.એસ. પાઈલોટ બ્લુકોરીડોરનું નિર્માણ કરવામાં આવેલ છે. જે અંતર્ગત બી.આર.ટી.એસ. બસ સર્વિસ તા.૦૧/૧૦/૨૦૧૨ થી શરૂ કરવામાં આવેલ છે. જેના વ્યવસ્થાપન હેતુ રાજકોટ રાજપથ લિમિટેડ નામક સ્પેશીયલ પર્પઝ વ્હીકલની કંપની ધારા, ૧૯૫૬ અંતર્ગત કંપની તરીકે સ્થાપના કરવામાં આવેલ છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૦/૧૦/૨૦૧૩ના રોજ શહેરી બસ સર્વિસ શરૂ કરવામાં આવેલ. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૧/૦૪/૨૦૧૫થી રાજકોટ બી.આર.ટી.એસ. બસ સર્વિસ સાથે રાજકોટ શહેરી બસ સર્વિસનું એકત્રિકરણ કરીને રાજકોટ શહેરી બસ સર્વિસનું સંચાલન પણ રાજકોટ રાજપથ લી.ને સોંપવામાં આવ્યું છે.
જે અન્વયે કેન્દ્ર સરકાર દ્વારા મંજુર થયેલ પ્રત્યેક મીડી એસી. ઈલે. બસ માટે મહત્તમ રૂ.૪૫ લાખ સુધીની મર્યાદામાં ગ્રાન્ટ નિયત થનાર એજન્સીને તબક્કાવાર આપવામાં આવશે. જેથી તેઓની સદરહુ કામની કેપીટલ કોસ્ટમાં ઘટાડો થનાર હોય, જે ગ્રાન્ટની રકમ મળવાના કારણે ઓપરેશનની પ્રતિ કિલોમીટરની કોસ્ટ (ખર્ચ) નીચી આવવાની શકયતાઓ રહે છે. મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને પ્રત્યેક ઈ-બસ દિઠ રૂ.૨૫/-પ્રતિ કિ.મી.ની ગ્રાન્ટ મળવાપાત્ર થશે, જેના કારણે મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ઓવરઓલ ઓપરેશન ખર્ચમાં ઘટાડો થશે. આગામી આશરે ૬ માસ સુધીમાં ૫૦ મીડી બસ આવી જશે. રાજકોટ મહાનગરપાલિકા ઇલેક્ટ્રિક બસ મેળવવામાં અગ્રેસર છે. તેમજ કિલોમીટરના જે ભાવ એજન્સી દ્વારા આપવામાં આવેલ છે તે અન્ય શહેરોની સરખામણીમાં ઓછા માં ઓછુ છે.