રાજકોટ જિલ્લામાં એક દિવસમાં વધુ ૪૩ લોકો કોરોના સંક્રમિત : સેન્ટ્રલ જેલના ૨ કેદીઓ પણ પોઝિટિવ

ભાવનગર, અમરેલી, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં ૨૦૦ કોરોના પોઝિટિવ : પાચના મોત

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વાયુવેગે વધી રહ્યો હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા સતત વધતી રહી છે. ગઈ કાલે સિટીમાં ૨૮ મળી જિલ્લામાં કુલ ૪૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીઓના કોરોના સારવારમાં મોત નિપજયા છે. જ્યારે ગઈ કાલે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડના એનેસ્થેટીસ્ટ તબીબ અને સેન્ટ્રલ જેલના બે કેદીઓ પણ કોરોનાની ઝપટે ચડ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોના હાહાકાર મચી રહ્યો હોય તેમ ભાવનગર, અમરવાળી, જામનગર, મોરબૂ અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં વધુ ૨૦૦ કોરોના પોઝિટિવ કેસ અને પાચના મોત નિજ્યનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં ગઈ કાલે કોરોના ફરી બેકાબુ બન્યું હોય તેમ ગઈ કાલે શહેરમાં વધુ ૨૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં અગત્યની ફરજ બજાવતા એનેસ્તગેટિસ્ટ તબીબ કૃણાલ અગ્રાવતને પણ તબિયત લથડતા તેઓના રિપોર્ટ કરાવતા તેમને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જ્યારે રાજકોટ સેન્ટ્રલ જેલના રાજકુમાર ગોવિંદ અને વિનોદ લક્ષમણ નામના બે કેદીઓને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને આઇસોલેટ કરી જેલની તમામ ૫૩ બેરેકમાં સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. અને જેલમાં રહેલા ૧૩૨૧ કેદીઓને સાવધાની રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.  રાજકોટમાં ગઈ કાલે અન્ય ૨૫ લોકો પણ કોરોનાની ઝપટે ચડી જતા શહેરી વિસ્તારોમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૪૦૦ની નજીક પહોંચી રહી છે. જ્યારે ગઈ કાલે રાજકોટના બે દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે. રાજકોટ જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતી રહી છે. જેમાં ગઈ કાલે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધુ ૧૫ પોઝિટિવ કેસ નોંધાતા ગ્રામ્ય વિસ્તારોમાં કુલ પોઝિટિવ આંક ૩૦૦ને પાર પહોંચ્યો છે.

સૌરાષ્ટ્રમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ગઈ કાલે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં વધુ ૨૦૦ કોરોનાગ્રસ્ત દર્દી અને પાંચ પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લામાં કોરોના કેસ દિન પ્રતિદિન વાયુવેગે વધતા જતા હોવાથી આરોગ વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. જૂનાગઢ જિલ્લામાં ગઈ કાલે વધુ ૩૪ દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જૂનાગઢમાં વે દિવસમાં ૬૦ થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જૂનાગઢમાં શહેરી વિસ્તારમાં ૭, ગ્રામ્યમાં ૧૦, ભેસાણ તાલુકામાં ૩, કેશોદમાં ૬ , માણાવદરમાં તાલુકા ૧, માળીયા હાટીના ૩ અને વિસાવદરમાં ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે.જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધી ૩૦૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં કોરોના કેસ બેકાબુ બન્યો હોય તેમ વધુ ૧૬ પોઝિટિવ કેસ અને ૨ દર્દીઓના મોત નિપજ્યા છે. જાફરબદના એક શંકાસ્પદ દર્દીનું મોત નીપજ્યું હતું. જ્યારે ભાવનગરમાં વધુ ૪૬, જામનગરમાં ૮, સોમનાથ – પોરબંદરમાં ૪-૪ અને બોટાદમાં ૫ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે.

જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના નો રાફડો ફાટતા વધુ ૪૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારમાં વધુ ૨૭ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૧૮૭ થઈ છે. જ્યારે ગ્રામ્યમાં લીંબડી તાલુકામાં ૬, ધ્રાંગધ્રામાં ૩, પાટડીમાં ૩ અને વઢવાણ વિસ્તારમાં વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.