કચ્છના અંજાર અને ગાંધીધામમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ: ધ્રાંગધ્રા, ચુડા, માળીયામિંયાણામાં પોણા બે ઈંચ: ચોટીલામાં એક ઈંચ વરસાદ
સવારથી અનેક સ્થળોએ વરસાદ ચાલુ
રાજકોટમાં શુક્રવારે દિવસભર ધીમીધારે અને ઝરમર હેત વરસાવ્યા બાદ મધરાત્રે મેઘાએ અનરાધાર વ્હાલ વરસાવ્યું હતું. શહેરમાં ૨૪ કલાક દરમિયાન બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. આ સાથે મોસમનો કુલ ૧૯ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. સવારથી વરસાદ ચાલુ હોવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
કોર્પોરેશનની ફાયર બ્રિગેડના શાખાના ચોપડે નોંધાયેલા આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૪૫ મીમી (મોસમનો કુલ ૪૩૪ મીમી), વેસ્ટ ઝોન વિસ્તારમાં ૪૭॥ મીમી (મોસમનો કુલ ૪૬૭॥ મીમી) અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૩૮॥ મીમી (મોસમનો કુલ ૩૫૬॥ મીમી) વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.
જયારે હવામાન વિભાગના ચોપડે રાજકોટમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૦ મીમી અને મોસમનો કુલ ૪૬૮ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. શુક્રવારે દિવસભર ઝરમર હેત વરસાવ્યા બાદ રાત્રે મેઘરાજાનું જોર વઘ્યું હતું. શહેરીજનો જયારે મીઠી નિંદ્રા માણી રહ્યા હતા
ત્યારે વણદેવ વ્હાલ વરસાવી રહ્યા હતા. બે દિવસથી અવિરત પડી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે. આજે સવારથી શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય રાજકોટમાં પણ વરસાદ પડે તેવી સંભાવના જણાઈ રહી છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કાચુ સોનું વરસાવ્યું છે. અડધા ઈંચથી લઈ ચાર ઈંચ સુધી વરસાદ પડયો હતો. આજે સવારથી પણ અનેક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. કચ્છના અંજાર અને ગાંધીધામમાં ૪ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત ધ્રાંગધ્રામાં ૨ ઈંચ, ચુડા અને માળીયામિંયાણામાં પોણા બે ઈંચ, થાનગઢ, વાંકાનેર, ભુજ, ચોટીલામાં ૧ ઈંચ વરસાદ વરસી ગયો છે. આજે સવારથી બપોર સુધીમાં રાજયના ૮૪ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું સ્ટેટ કન્ટ્રોલ મના સુત્રોએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં મોસમનો ૬૪.૦૫ ટકા વરસાદ
૨૦ દિવસના લાંબા અંતરાળ બાદ રાજયભરમાં વરસાદની પુન: પધરામણી થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આજ સુધીમાં રાજયમાં મોસમનો કુલ ૬૨.૦૩ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર આજસુધી ૬૪.૦૫ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. વર્ષ ૧૯૮૮ થી ૨૦૧૭ સુધીની એવરેજ જોવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સીઝનમાં સરેરાશ ૬૭૯ મીમી વરસતો હોય છે.
આજસુધીમાં સૌરાષ્ટ્રમાં ૪૩૫ મીમી જેટલો વરસાદ વરસી ગયો છે. જે સીઝનનો કુલ ૬૪.૦૫ ટકા જેવો થવા પામે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ ૧૩૨.૨૮ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જયારે સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ૩૪.૭૪ ટકા જ પડયો છે.
ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાનાં તમામ અધિકારીઓને હેડકવાટર્સ ન છોડવા કલેકટરનો આદેશ
ફરિયાદ-સંકલન બેઠકમાં પ્રશ્નો કરનાર ધારાસભ્યોની ગેરહાજરીથી પ્રશ્નો પેન્ડિંગ
સમગ્ર રાજયમાં ભારે વરસાદની આગાહીના પગલે આજે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ તમામ મામલતદારો અને અધિકારીઓની રજા રદ કરી હેડ કવાર્ટર ન છોડવા આદેશ જારી કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આજે જિલ્લા કલેકટર કચેરીમાં મળેલી ફરિયાદ અને સંકલનની બેઠકમાં ભારે વરસાદની આગાહીનો મુદો મુખ્ય રહ્યો હતો અને જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ તમામ મામલતદારો અને અધિકારીઓને ભારે વરસાદની ચેતવણીને પગલે હેડ કવાર્ટર ન છોડવા આદેશ કર્યો હતો. સાથો સાથ જે અધિકારીઓ રજા પર હોય તેઓને ફરજ પર હાજર થઈ જવા આદેશ કર્યો હતો.
વધુમાં ફરિયાદ સંકલનની બેઠકમાં પ્રશ્ર્નો ઉપસ્થિત કરનાર ધારાસભ્યો દ્વારા બેઠકમાં હાજરી ન આપવામાં આવતા તમામ પ્રશ્નો પેન્ડીંગ રખાયા હતા. ફરિયાદ સંકલનની બેઠક બાદ કાયદો અને વ્યવસ્થાની બેઠક યોજવામાં આવી હતી.