પ્રિયંકાના મનામણા બાદ પાયલોટની નારાજગી દૂર થઈ જાય તો પણ રાજકીય અસ્થિરતાના મુદા પર ગેહલોત સરકારનો ‘ઘડો લાડવો’ કરી નાખવા ભાજપની તૈયારી
દેશના સૌથી જુના રાજકીય પક્ષ કોંગ્રેસમાં વરિષ્ટ અને યુવા નેતાઓ વચ્ચે ‘જનરેશન ગેપ’ પ્રવર્તી રહ્યો છે. આ જનરેશન ગેપના કારણે શકિતશાળી યુવા નેતાઓની અવમાનતા થતા અનેક રાજયોમાંથી કોંગ્રેસને સરકાર ખોવાનો વારો આવ્યો છે. રાજસ્થાનમાં કોંગ્રેસના વરિષ્ટ નેતા અશોક ગેહલોતની સરકાર સામે યુવા નેતા સચિન પાયલોટે પોતાની અવમાનતા મુદે જ બળવો પોકાર્યો છે. જેથી રાજસ્થાનમાંથી કોંગ્રેસની સરકાર જવાના ભયથી સચિન પાયલોટને મનાવવા પ્રિયંકા ગાંધી મેદાને આવ્યા છે. પ્રિયંકાના મેદાનમાં આવ્યા બાદ પાયલોટને મનાવીને ગેહલોતને હટાવીને તેના સ્થાને ત્રીજા નેતાને મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલા લાવવામાં આવી છે. જેથી કોંગ્રેસ સરકાર બચી જાય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી હોય રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા મકકમ ભાજપે રાજકીય અસંમજતાનું વાતાવરણ ઉભુ કરવાના ભાગરૂપે પોતાના ૨૦ ધારાસભ્યોને ગુજરાતમાં ખસેડયા છે.
રાજસ્થાનમાં આગામી ૧૪મીએ યોજાનારા વિધાનસભાના સત્રમાં ગેહલોત સરકાર પોતાની બહુમતિ સાબિત કરનારી છે. તે પહેલા પ્રિયંકા ગાંધી દ્વારા બળવાખોર સચિન પાયલોટને મનાવવા ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જ રાજસ્થાનમાં રાજયસભાની ચૂંટણી સમયે ધારાસભ્યોના થયેલા હોર્સ ટ્રેડીંગની ફરિયાદ તપાસનીશ એસઓજી દ્વારા ફાઈલ કરી દેવામાં આવી છે. પાયલોટને મુખ્યમંત્રી ગેહલોત સામે વાંધો હોય પાર્ટીએ ગેહલોતને હટાવી તેના સ્થાને ત્રીજા નેતાને મુખ્યમંત્રી બનાવવાન તૈયારી પણ કરી લીધી છે. બીજી તરફ ભાજપ પણ રાજયમાં કોંગ્રેસની સરકાર તુટે અને રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવું ઈચ્છી રહ્યું છે. જેના ભાગરૂપે રાજયમાં લોકશાહીનું હરણ થઈ ગયાનું વાતાવરણ ઉભુ કરવાની યોજના બનાવવા લાગ્યું છે. જેના ભારૂપે ભાજપે પોતાના ધારાસભ્યો પર ગેહલોત સરકાર બળવા કરવા માટે દબાણ કરી રહ્યાનો આક્ષેપ કરીને ૭૨માંથી ૨૦ ધારાસભ્યોને ગુજરાતમાં ખસેડયા છે.
પરમદિવસે ૧૪ ધારાસભ્યોને ગાંધીનગર પાસેનાં રીસોર્ટમાં લવાયા બાદ શનિવારે બપોર બાદ છ ધારાસભ્યોને પ્લેન દ્વારા પોરબંદર લવાયા હતા આ ધારાસભ્યોને સોમનાથમાં રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં લવાયેલા આ ધારાસભ્યોએ પણ તેમના પર મુખ્યમંત્રી ગેહલોતની કોંગ્રેસ સરકાર શામ, દામ, દંડ અને ભેદનીનીતિ અપનાવીને ભાજપ પાર્ટી વિરૂધ્ધ બળવો કરવા હેરાન પરેશાન કરી રહ્યાનો સુચક આરોપ મૂકયો હતો. બીજી તરફ કોંગ્રેસે પણ એવો આક્ષેપ કર્યો છે કે આ ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે જૂથના છે. ભાજપને રાજે પર ભરોસો ન હોય તેમના જુથના મનાતા ધારાસભ્યોને પરાણે ભાજપ શાસિત ગુજરાતમાં ખસેડયા છે. જોકે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયાએ કોંગ્રેસના આવા આક્ષેપને નકારી કાઢ્યો છે.
ગુજરાતમાં રખાયેલા ભાજપના ૨૦ ધારાસભ્યોને આગામી ૧૪મીએ સીધા જ વિધાનસભામાં લઈ જવામાં આવનારા હોવાની વિગતો બહાર આવવા પામી છે. ભાજપને ડર છે કે ૧૪મી પહેલા કોંગ્રેસ નારાજ પાયલોટને મનાવવામાં સફળ થાયત રાજયમાં રાજકીય સ્થિરતાનો અભાવ અને રાજકીય અસ્થિરતાના કારણે પ્રજાના કામ થતા ન હોય અને રાજયનું શાસન ખોરંભે ચડી ગયાના મુદા પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકય તે માટે આયોજન ઘડી કાઢ્યું છે. જેના ભાગરૂપે જ રાજયમાં પોતાના ધારાસભ્યો સલામત ન હોવાનું અને તેમને બળવો કરવા દબાણ કરવામાં આવી રહ્યાનું વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ ક્રવામાં આવી રહ્યું છે. જેથી રાજસ્થાનમાં કોંગ્રેસ પાયલોટને મનાવી સુરક્ષિત લેન્ડીંગ કરે તો પણ ગેહલોત સરકારનું ક્રેસ લેન્ડીંગ કરવા ભાજપે તખ્તો તૈયાર કર્યો હોવાનું રાજકીય પંડીતોમાં ચર્ચાઈ રહ્યું છે.