ટીપી સ્કિમ નં.22ના સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના અનામત પ્લોટમાં ખડકાયેલા દબાણો દૂર કરી રૂ.21.14 કરોડની જમીન ખૂલ્લી કરાવતું કોર્પોરેશન
ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા આપવામાં આવેલા કડક આદેશના પગલે ટીપી શાખા દ્વારા રોજ ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. આગામી 15મી જૂનથી ચોમાસાની સિઝન શરૂ થતી હોય સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ચોમાસાના ચાર મહિનામાં ડિમોલીશનની કામગીરી હાથ ધરી શકાતી નથી. હજુ 25 દિવસ જેટલો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે ટીપી શાખા દ્વારા બુલડોઝરની ધણધણાટી બોલાવવામાં આવી રહી છે. આજે શહેરના વોર્ડ નં.1માં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સાત મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. રૂ.21.14 કરોડની 3524 ચોરસ મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉનપ્લાનિંગ ઓફિસર એમ.ડી સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે શહેરના વોર્ડ નં.1માં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટીપી સ્કિમ નં.22 (રૈયા)ના અંતિમ ખંડ નં.65/એ રૈયાધારમાં મારવાડી વાસની બાજુમાં દ્વારકેશ પાર્ક સામે ડ્રિમ સિટી રોડ પર આવેલા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 3524 ચો.મીટર જમીન પર સાત મકાનો ખડકી દેવામાં આવ્યા હતા. અગાઉ નોટિસ પણ આપી દેવામાં આવી હોય તાજેતરમાં અંતિમ નોટિસ આપવામાં આવી હતી.
દરમિયાન આજે સવારે વેસ્ટ ઝોન કચેરીના એટીપી એમ.આર. મકવાણા અને આર.એમ. વાછાણી સહિતનો ટીપી શાખાનો કાફલો ત્રાટક્યો હતો. સાત મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. 21.14 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ ટીપીના પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે સતત ડિમોલીશન ચાલુ રાખવામાં આવશે.