એક તરફથી દેશમાં મોટાભાગના મહત્વના રાજ્યો એક પછી એક ગુમાવી દીધા છે તો જે રાજ્ય હાથમાં છે તે બચાવવા માટેનો સંઘર્ષ કોંગ્રેસ માટે ગંભીર સ્થિતિ સર્જી રહ્યો છે. પંજાબમાં દિવસે-દિવસે કોંગ્રેસમાં જુથબંધી ઉગ્ર બનતી જાય છે અને કોકડુ ગુંચવાતુ જાય છે જેને જોઈને સામાછેડે આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલની મધલાળ ટપકવા લાગી છે.
સિધુ પાજીની અવળચંડાઈ, કેપ્ટનનું અક્કડ વલણ પંજાબ કોંગ્રેસમાં ભાગલાની સ્થિતિ સર્જશે
કેજરીવાલને પંજાબમાં સત્તા મેળવવાનું ઝનુન ઘણા સમયથી ચડ્યું છે અને હવે તેમને કોંગ્રેસના ડખ્ખાના કારણે એક તક ઉભી થઈ હોય તેવું દેખાય છે અને સત્તા મળી જવાના સપના જોવા લાગ્યા છે પરંતુ કેજરીવાલનું સપનું સાકાર થાય કે ન થાય તે દૂરની વાત છે અત્યારે તો પંજાબ કોંગ્રેસમાં જબરી હલચલ મચી જવા પામી છે. આમ આદમી પાર્ટી ‘બે ની વચ્ચે ત્રીજો ફાવે’ એ કહેવત સાર્થક કરવાની મથામણમાં છે. પરંતુ તેને કેટલી સફળતા મળશે તે આવનારો સમય જ બતાવશે. નજીકના ભવિષ્યમાં કેજરીવાલની મુરાદ પૂરી થાય તેવા સંજોગો દેખાતા નથી તેમ રાજકીય નિરીક્ષકો માની રહ્યાં છે.
પંજાબમાં જે મામલો ઉભો થયો છે તે કોંગ્રેસ માટે સિરદર્દ બની ગયો છે. નવજોતસિંઘ સિધુ પાજીની અવળચંડાઈ અને સામે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘના અક્કડ વલણના કારણે પંજાબ કોંગ્રેસમાં ભાગલાની સ્થિતિ સર્જાઈ રહી છે. સિધુ જુથ અને મુખ્યમંત્રી જુથ વચ્ચે દિવસે દિવસે સંઘર્ષ વધુ ઉગ્ર અને વ્યાપક બની રહ્યો છે. મોવડી મંડળ દ્વારા આગ ઠારવાના પ્રયાસો આજદિન સુધી તો સફળ થયા નથી. તાજેતરમાં કેપ્ટન અને સિધુ બન્નેએ મોવડી મંડળને મળી રૂબરૂ પોત-પોતાનો પક્ષ મુકવાની કોશીષ કરી હતી પરંતુ બન્ને નવીદિલ્હીમાં ડેલે હાથ દઈ પાછા ફર્યા છે. કેમ કે, ટોચના નેતાઓએ તેમને મુલાકાત આપી નથી. માત્રને પંજાબના પ્રભારી તેમને મળ્યા છે અને બન્ને જુથોને તલવારો મ્યાન કરી દેવાની સલાહ આપ્યા સીવાય બીજુ કશું કર્યું નથી.
નવજોતસિંધ સિધુ રાહુલ ગાંધીને મળવા માટે અને રજૂઆત કરવા માટે મંગળવારે નવીદિલ્હી ગયા હતા. પરંતુ રાહુલ ગાંધીએ મુલાકાત આપી નથી તે ઘણું સુચક માનવામાં આવે છે. કેપ્ટન અમરિન્દર પણ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીને મળી શક્યા નથી. પંજાબનો હવાલો સંભાળતા પ્રભારીએ બન્ને જુથને એવી સલાહ આપી હોવાનું કહેવાય છે કે, તલવાર મ્યાન કરે. મુખ્યમંત્રી કેપ્ટનને પણ એવું કહી દેવાયું છે કે, પંજાબમાં કોંગ્રેસ પક્ષના તમામ જુથોને સાથે રાખી અને તેમને સમાવીને આગળ વધો અને સંઘર્ષ પર પૂર્ણ વિરામ મુકો.
પંજાબ સરકારની આ સ્થિતિ જોઈને સ્વાભાવીક છે કેજરીવાલની મહત્વકાંક્ષાઓ ફરી જાગી ઉઠે, તેમને આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને સત્તા મેળવવાના સપના આવવા લાગ્યા છે. પરંતુ એમનું સપનું સાકાર તો જ થાય કે, કોંગ્રેસમાં મોટાપાયે ભંગાણ પડે અને અલગ પડેલુ જુથ આપની સાથે ભળે તો જ કંઈક નવા સમીકરણો રચી શકાય. નજીકના ભવિષ્યમાં પંજાબ કોંગ્રેસનો ઉકળતો ચરૂ ઠારવામાં કોંગ્રેસના મોવડીઓને સફળતા નહીં મળે તો પંજાબ કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ નિશ્ર્ચિત માનવામાં આવે છે. આગામી થોડા દિવસો કોંગ્રેસ અને પંજાબ માટે નિર્ણાયક અને મહત્વના બની રહેશે. કેજરીવાલે તક જોઈને વચનોની ફેંકાફેંકી શરૂ કરી દીધી છે પરંતુ તેની અસર પંજાબના ખેડૂતો પર કેટલી થાય છે તે હજુ કહેવું ઘણુ વહેલુ થઈ પડશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવું વચન આપ્યું કે, દિલ્હી જેમ પંજાબમાં પણ જો આમ આદમી સત્તા પર આવે તો 300 યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવશે. રાજ્યભરમાં 24 કલાક માટે વીજ પુરવઠો આપવામાં આવશે. આ વચન આપી કેજરીવાલે પંજાબના ખેડૂતોને રાજી કરવા અને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. કેજરીવાલે આજે એવું ટવીટ કર્યું હતું કે, દિલ્હીમાં અમે દરેક પરિવારને 200 યુનિટ સુધીની વીજળી મફત આપીએ છીએ તેનાથી મહિલાઓ ખુબજ ખુશ થઈ ગઈ છે જ્યારે બીજી તરફ પંજાબમાં ફૂગાવા અને ભાવ વધારાના કારણે મહિલાઓ ખુબ નાખુશ છે. જો ચૂંટણીઓમાં પંજાબની પ્રજા આપને સત્તા ઉપર બેસાડે તો દિલ્હીની જેમ પંજાબમાં પણ મફત વીજળી આપવામાં આવશે.