કોડીનારના દેદા દેવળીના પ્રૌઢની હત્યા
જાહેર જગ્યામાં બાથરૂમ બનાવતા અટકાવી બે મહિલા સહિત સાત શખ્સો હુમલો કર્યો’તો
કોડીનાર તાલુકાના દેદા દેવળી ગામે એક સપ્તાહ પૂર્વે જાહેરમાં બાથરૂમ બનાવવાના પ્રશ્ર્ને પાડોશી પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું સારવાર દરમિયાન અહીંની હોસ્પિટલમાં મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. પોલીસે બે મહિલા સહિત સાતે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેદા દેવળી ગામે રહેતા બાબુભાઇ લક્ષ્મણભાઇ બારડ, સમજુબેન હરિભાઇ અને રવિભાઇ ભૂપતભાઇ પર તેના પાડોશમાં રહેતા બાબુભાઇ અરશી , અનિરૂધ્ધ બાબુ, રાહુલ બાબુ, સંજય બાલુ, પ્રતિક્ષાબેન રાહુલ, સંધ્યાબેન સંજય અને ધવલ અશ્ર્વિનભાઇ નામના શખ્સોએ ગત તા. ૩૦મીએ લાકડી અને ધોકાથી માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બાબુભાઇ લક્ષ્મણભાઇને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બાબુભાઇ બારડનો નાનો ભાઇ જાહેર જગ્યામાં બાથરૂમ બનાવતો હોવાથી તેનો બાબુ અરશી સહિતના શખ્સોએ વિરોધ કરી ઝઘડો કરતા તેમને બચાવવા વચ્ચે પડતા લાકડી અને ધોકાથી હુમલો કરી બાબુભાઇ બારડની હત્યા કર્યાની કાદુભાઇ લખમણભાઇ બારડે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એસ.ડી.માળી સહિતના સ્ટાફે બે મહિલા સહિત સાતેય સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.