આગામી દિવસોમાં સિટી અને બીઆરટીએસ બસ હશે ઈ-બસ એર ક્વોલીટી સુધારણા માટે કેન્દ્ર સરકારે ૩૦ કરોડની ગ્રાન્ટ ફાળવી
આંતરીક પરિવહન માટે કોર્પોરેશન દ્વારા હાલ શહેરમાં બીઆરટીએસ સેવા ચલાવવામાં આવી રહી છે. વિશ્ર્વના સૌથી ઝડપથી વિકસતા ૧૦૦ શહેરોમાં સ્થાન પામેલા રાજકોટમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ પગલા લેવામાં આવી રહ્યાં છે. રાજકોટને ૫૦ ઈ-બસો ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે અને આ માટે ટ્રાયલ પણ લઈ લેવામાં આવ્યા છે. દરમિયાન વધુ ૧૦૦ ઈ-બસ ફાળવવા માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલના જણાવ્યા મુજબ રાજકોટ શહેરને ભારત સરકાર દ્વારા ફેમ-૨ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનામાં સમાવિષ્ટ શહેરોમાં ઈ-બસો ચલાવવામાં આવી રહી છે. અગાઉ રાજકોટને ૫૦ ઈ-બસો ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના માટે ટ્રાયલ પણ લેવાઈ ચૂકયું છે. વધુ ૧૦૦ ઈ-બસ ફાળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં બીઆરટીએસ અને સિટી બસ ઈ-બસ હશે. સિટી અને બીઆરટીએસ બસોના ડ્રાઈવરને બસની ગતિ મર્યાદિત રાખવા તાકીદ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા એર ક્વોલીટી સુધારણા માટે કોર્પોરેશન સાથે ૨૦ કરોડની ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.