હાલ ઝુમાં સફેદ વાઘની સંખ્યા નવે પહોંચી: માતા અને બચ્ચાની તબીયત
ટનાટન: સીસીટીવી કેમેરાની નિગરાનીમાં એરકુલર વચ્ચે બચ્ચાને રખાયા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધ્યુમન પાર્ક ઝુમા ગાયત્રી નામની સફેદ વાઘણે ગઈકાલે રાત્રે ૩ બચ્ચાને જન્મ આપ્યો છે. હાલ માતા અને બચ્ચાની તબીયત સારી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ઝુમાં હવે નવા ત્રણ બચ્ચાના આગમન સાથે સફેદ વાઘની સંખ્યા નવે પહોંચી જવા પામી છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, પ્રધ્યુમન પાર્ક ઝુમાં ગઈકાલે રાત્રે ગાયત્રી નામની સફેદ વાઘણે ૩ બાળ વાઘને જન્મ આપ્યો છે. હાલ માતા અને બાળ વાઘણની તબીયત સારી છે. તેઓને હાલ રાઉન્ડ ધ કલોક સીસીટીવી કેમેરાની નિગરાનીમાં રાખવામાં આવ્યા છે. હાલ હીટવેવને કારણે ખૂબ તડકા પડી રહ્યાં છે. આવામાં બચ્ચા તથા સફેદ વાઘણને તડકો ન લાગે તે માટે ખાસ એરકુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઝુમાં હાલ સફેદ વાઘની સંખ્યા નવે પહોંચી જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૧૯-૧૧-૨૦૧૪ના રોજ રાજકોટ ઝુ દ્વારા કેન્દ્ર સરકારની ઝુ પ્રાણી વિનીમય યોજના અંતર્ગત એક સિંહ આપીને છત્તીસગઢના પિલ્લાઈ ઝુ ખાતેથી બે સફેદ વાઘણ અને એક સફેદ વાઘ લાવવામાં આવ્યો હતો. સફેદ વાઘ દિવાકર સાથે સવનન દરમિયાન તા.૧૮-૫-૨૦૧૫ના રોજ ગાયત્રી નામની સફેદ વાઘણે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. ચાર વર્ષ બાદ ફરી ગાયત્રીએ સારા સમાચાર આપ્યા છે અને ગઈકાલે રાત્રે ત્રણ સફેદ વાઘ બચ્ચાને જન્મ આપ્યો છે. આ સાથે ઝુમાં સફેદ વાઘનો પરિવારની સંખ્યા નવે પહોંચી છે.