હત્યા અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર શહેરના કડીયાપ્લોટ વિસ્તારમાં રહેતા પ્રશાંત રાજુભાઈ બાપોદરાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેના પિતા રાજુભાઈ સામતભાઈ બાપોદરા ઉર્ફે રાજુ ભાવનગરી રીક્ષાા ડ્રાઈવીંગ કરી અને પોતાનુું ગુજરાન ચલાવતા હતા. રવિવારે બપોરે ત્રણેક વાગ્યે પ્રશાંત પોતાનું સ્કૂટર લઈ સત્યનારાયણ મંદિર પાસે દેવદર્શન એપાર્ટમેન્ટમાં આવેલા કિંગ હેર સલુન નામની દુકાને વાળ કપાવવા માટે ગયા હતા.
પોરબંદરમાં એક અઠવાડીયામાં બીજી વખત લોહીયાળ જંગ ખેલાયો છે. નજીવી બાબતની માથાકૂટના સમાધાનમાં ચાર શખ્સોએ મળી એક યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો છે.
ત્યારે કડીયાપ્લોટ મફતિયાપરામાં રહેતો મનિષ પરમાર પણ ત્યાં સેવીંગ કરાવતો હતો. ત્યારે પ્રશાંત વેઈટીંગમાં બેઠો હતો. તેને સીગારેટ પીવાની ટેવ હોવાથી તેણે સીગારેટ સળગાવી હતી. ત્યારે મનિષ પરમાર નામના આ શખ્સે પ્રશાંતને ગાળો દીધી હતી. અહીં બોલાચાલી થતા પ્રશાંત વાળ કપાવ્યા વિના જ ઘરે પરત ફરી ગયો હતો અને ઘરે પહોંચી તેણે પોતાના પિતા રાજુભાઈને હેરસલુનમાં થયેલી બોલાચાલી અંગે જાણ કરી હતી. બાદમાં રાત્રે નવ વાગ્યા આસપાસ રાજુ બાપોદરાના ફોનમાં મનિષ પરમારનો ફોન આવ્યો હતો અને ફોનમાં પણ બોલાચાલી થઈ હતી.
ત્યારબાદ રાજુ બાપોદરા સમાધાન કરવા માટે મનિષ પરમાર પાસે પટેલ મીલ તરફ ગયો હતો. તેની પાછળ પ્રશાંત પણ સલામતી માટે તલવાર લઈને આવ્યો હતો અને રસ્તામાંથી હરીશ રાઠોડ અને દિલીપ મોઢવાડીયા તેમજ જય શીયાળ નામના મિત્રોને પણ પટેલ મીલ તરફ આવવા જણાવ્યું હતું. ત્યારે પ્રશાંતના આ મિત્રો પણ પટેલ મીલે આવી પહોંચ્યા હતા. રાજુ ભાવનગરી જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે તેની સામે કડીયાપ્લોટના મનિષ રામ પરમાર, લખુ સામત પરમાર, પ્રતાપ સામત પરમાર અને ભરત મેરખી નામના શખ્સો ત્યાં ઉભા હતા.
લખુ પરમાર નામના શખ્સે પ્રશાંતના ત્રણેય મિત્રોને ત્યાંથી ચાલ્યા જવા જણાવ્યું હતું. ત્યારે પ્રશાંતના મિત્રો ઘટનાસ્થળેથી ચાલ્યા ગયા હતા. બાદમાં લખુ, પ્રતાપ, મનિષ અને ભરત સહિતના શખ્સો રાજુ ભાવનગરી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. બાદમાં આ ચારેય શખ્સો રાજુને મારવા લાગ્યા હતા. જેમાં રાજુએ સ્વબચાવમાં પોતાના નેફામાં રહેલી છરી કાઢી લખુ પરમારના પેટમાં ત્રણ-ચાર ઘા મારી દીધા હતા ત્યારે લખુએ રાજુના હાથમાંથી છરી ઝૂંટવી તેના માથામાં મારવા લાગ્યો હતો.
આ સમય દરમિયાન પ્રશાંતના ફઈનો દીકરો રાજેશ ઓડેદરા પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે રાજુ ભાવનગરીને બચાવવા પ્રયાસ કર્યો હતો. આ સમયે મનિષે રાજુના પગ અને માથામાં તલવારના ઘા માર્યા હતા અને પ્રતાપે રાજુના પડખામાં છરીના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં આ ચારેય શખ્સોએ પ્રશાંતને પણ આડેધડ માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
આ ઘટના બનતા પ્રશાંતના અન્ય સગાઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને રાજુ ભાવનગરીને હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે રાજુને મૃત જાહેર કર્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટના અંગે જાણ થતા પોલીસ કાફલો પણ મફતીયાપરાની ચાલીમાં પહોંચી ગયો હતો, તો બીળ તરફ સામાપક્ષો લખુ પરમારને પણ ઈજા પહોંચતા પ્રથમ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ અને બાદમાં જામનગર ખસેડાયો છે. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાંચ દિવસ પૂર્વે જ કોલીખડા ગામે મિત્રએ મિત્રની હત્યા કરી હોવાની ઘટના બની હતી. ત્યારે એક જ અઠવાડીયામાં પોરબંદર પંથકમાં બીળ હત્યા થતા ચકચાર મચી ગઈ છે..