જામનગરમાં નયનાબેન માધાણી, દ્વારકામાં રેખાબેન ગોરીયા, મોરબીમાં કિશોર ચીખલીયા અને અમરેલીમાં રવજીભાઈ વાઘેલા બન્યા પ્રમુખ
આજરોજ સૌરાષ્ટ્રની જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખોની ચુંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે પોતાનું જોર જાળવી રાખ્યું છે. રાજકોટ, જામનગર, દ્વારકા, મોરબી અને અમરેલીમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખના દાવેદારોએ વિજયી મેળવી પક્ષનું શાસન જાળવી રાખવા સફળતા મેળવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે અલ્પાબેન ખાટરીયા, ઉપપ્રમુખપદે સુભાષભાઈ માંકડિયા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નયનાબેન માધાણી, ઉપપ્રમુખ તરીકે વશરામ રાઠોડ, દ્વારકા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે રેખાબેન ગોરીયા, ઉપપ્રમુખ તરીકે પી.એસ.જાડેજા, મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયા, ઉપપ્રમુખ તરીકે ગુલામભાઈ પરાસરા તેમજ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રવજીભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે હાર્દિકભાઈ કાનાણીનો વિજય થયો છે.
કોંગ્રેસ મોટાભાગની જિલ્લા પંચાયતોમાં સતા જાળવવામાં સફળ રહ્યું છે. ઉપરાંત ઘણી જિલ્લા પંચાયતો ઉપરાંત તાલુકા પંચાયતોમાં સભ્યોના બળવા પણ સહન કરવા પડયા છે. પ્રદેશ કોંગ્રેસે બળવો કરનાર ૮ સભ્યોને આજરોજ પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરી દીધા છે. ઉપરાંત વધારાના બળવાખોર સામે યોગ્ય કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. અમુક જિલ્લા પંચાયતો તેમજ તાલુકા પંચાયતોમાં સતાની લાલચે અનેક કોંગ્રેસ પક્ષના સભ્યોએ બળવો કર્યો હતો. તેઓને સફળતા પણ મળી હતી.