પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બસ અને ટ્રકની ટક્કરમાં અંદાજે 30 મુસાફરોના મોત થયા છે જ્યારે 40થી વધુ ઘાયલ થયા છે. જેમાંથી 4 લોકોની હાલત વધુ ગંભીર જણાઈ રહી છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ છે. મુઝફ્ફરગઢના ડેરા ગાઝી ખાન પાસે તનુસા રોડ પર આ અકસ્માત થયો છે. 30 લોકોના જીવ ગયા છે જ્યારે હજુ મૃત્યુઆંક વધવાની આશંકા છે.
તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના તબીબી કાર્યકરોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં પહોંચતા પહેલા 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બાકીના ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. તેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.
ઈદના તહેવારને લઈ ઘરે જઈ રહેલા લોકોને કાળ ભેટયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બસ વધુ ઝડપે આગળ વધી રહી હતી. જિલ્લા ઇમરજન્સી ઓફિસર ડો.નૈયર આલમે જણાવ્યું હતું કે બસમાં 75 મુસાફરો સવાર હતા. તેમાંના મોટા ભાગના મજૂર હતા, જે ઇદના તહેવાર પર રજાઓ માટે ઘરે જતા હતા. બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. પાકિસ્તાનના ગૃહપ્રધાન શેખ રાશિદે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરી કહ્યું કે આ ઘટના અંગેની પળેપળની અપડેટ મેળવી રહ્યા છે.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીએ પુષ્ટિ આપી હતી કે ડેરા ગાઝી ખાન નજીક થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થયાં છે. પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. પાકિસ્તાનમાં માર્ગ અકસ્માત અવારનવાર બનતા હોય છે અને તેમાંના મોટાભાગના વાહનોની અવર-જવર, ખરાબ રસ્તાઓ અને પ્રશિક્ષિત ડ્રાઇવરોને કારણે થાય છે.