ફિલ્મ Baahubali 2 એ ફક્ત ભારત અને વિદેશમાં જ નહિ પરંતુ પાકિસ્તાનમાં પણ ધમાલ મચાવી દીધી છે. પાકિસ્તાનમાં પણ Baahubali 2 નાં બધા શો હાઉસફૂલ જઈ રહ્યા છે અને લોકોને ટિકિટ માટે લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે. પાકિસ્તાનના કેટલાક યુવાઓએ સોશિયલ મીડિયા પર આ સંબંધમાં ફોટા પોસ્ટ કર્યા છે. જેમાં લોકો ફિલ્મ બાહુબલી-2 જોવા માટે ટિકિટ લેવા લાઈનમાં ઉભા છે. બીજા એક ફોટામાં લોકો સિનેમા હોલમાંથી ફિલ્મ જોઈ નીકળી રહ્યા છે. એક ટ્વીટર યુઝરે લખ્યું કે, બાહુબલી પાકિસ્તાનમાં પણ સુપર રોકિંગ છે. પબ્લિકને ફિલ્મ વધારે પસંદ આવી રહી છે. કરાચી અને લાહોરમાં ફિલ્મના બધા શો હાઉસફૂલ જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 એ માત્ર નવ દિવસમાં ૧૦૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. બાહુબલી-૨ એ ભારતમાં ૮૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી તો બીજી તરફ, વિદેશમાં ફિલ્મે લગભગ ૨૦૦ કરોડની કમાણી કરી છે. ફિલ્મ બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે.
આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?
રાજામૌલીની ફિલ્મ બાહુબલી-૨ એ બોક્સઓફિસ પણ ઘણા રેકોર્ડ તોડી દીધા છે અને તે ભારતીય સિનેમાની નંબર-૧ બ્લોકબસ્ટર સાબિત થઇ ગઈ છે. ફિલ્મના હિંદી વર્ઝને આઠ દિવસમાં ૨૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતી. ૨૮ એપ્રિલે રિલીઝ થયેલ બાહુબલી-૨ એ પ્રથમ અઠવાડિયે બોક્સ ઓફિસ પર વર્લ્ડવાઈડ ૮૬૦ કરોડ રૂપિયાની ગ્રોસ કમાણી કરી હતી. ફિલ્મનું બજેટ ૨૫૦ કરોડ રૂપિયા છે, જ્યારે ભારતમાં જ ફિલ્મે એક અઠવાડિયામાં ૫૪૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.