આપણે કેમ જીવવું એ નકકી કરવાનું પણ આપણા હાથમાં નથી, આપણે વહાલામાં વહાલા સ્વજનને મળી શકતા નથી; અરે ભગવાન પાસે પણ રૂબરૂ જઈ શકતા નથી: જાન બચાવવાનાં આવાં ફાંફા મારવાનો વખત આવશે એવી કોને ખબર હતી?
આપણે જીવતાં રહેવું છે બીજા અનેકને જીવતા રાખવાના છે, ભગવાનના હાથની વાત આપણા હાથમાં આવી ગઈ નથી, કે ડોકટરોની દવાની વાત આપણા હાથમાં આવી ગઈ એમ પણ નથી, પણ માનવતાનો ધર્મ આપણે બજાવવો જ ઘટે એટલે આપણે કોરોના-દૈત્યની સામે લડવામાં જોડાવાનું છે જો કે, મા, બહેનો, દીકરીઓ પૂછે છે કે, આવું કેટલો વખત લાગશે ?
આમ છતાં, આપણી અત્યારની હાલતે આપણને સૌને આ કુદરતી સિધ્ધાંતની વિરૂધ્ધ કફોડી સ્થિતિમાં મૂકયા છે અને આ સ્થિતિ કેટલો વખત વેઠવી પડશે એનો કોઈ તાગ નીકળી શકતો નથી.
આપણે કેમ જીવવું, એપણ આપણે જાતે નકકી કરી શકતા નથી. આપણા વહાલામાં વહાલા સ્વજનને આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી. અને હળીમળી શકતા નથી.
અરે, ભગવાન પાસે પણ રૂબરૂ જઈ શકાતું નથી. આવી બધી લાચારીઓ માઝા મૂકી છે.
આપણાં જાન બચાવવા આપણે અવનવાં ફાંફા મારવા પડે છે અને ગરજવાનને અકકલ ન હોય એવી ટકારો પચાવી જવી પડે છે!
આપણા વડાપ્રધાનની ભાષામાં કહીએ તો ‘આપણે જીવતાં હશું તો આ જગતનાં સુખ દુ:ખ આપણે ભોગવી શકશું ‘જાન હૈ તો જહાન હૈ’
આપણો દેશ, આપણા દેશવાસીઓ, કરોડો ગરીબો અને આખી માનવજાત અત્યારે અસહ્ય કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.
સ્વતંત્ર ભારતમાં અત્યારે જયાં નજર કરીએ ત્યાં નરી પરતંત્રતા જોવા મળે છે.
આપણા અત્યારના જીવનવ્યવહારમાં અને કૌટુંબિક વ્યવહારોમાં કયારે શું કરવાનું અને કયારે શું નહિ કરવાનું એવી અનેક અનિશ્ર્ચિતતાઓ આપણને બધાને પજવે છે !
અંગ્રેજીમાં એમ કહેવાયું છે કે, ‘અમેન ઈઝ અસોશ્યલ એનિમલ હી કેનનોટ લિવ વિધાઉટ અ ફ્રેન્ડ ! (માણસ સામાજીક પ્રાણી છે, એ સંગાથી વિના રહી શકે નહિ)
માનવજાતને સાથી-સંગાથી-મિત્ર વગર ગોઠતું નથી, એ એક સનાતન સત્ય છે. આપણ જીવવું છે અને આપણા કુટુંબીજનોને તથા બીજા અસંખ્ય જીવાડવાનાં છે. આમાં ભગવાનના હાથની વાત આપણા હાથમાં આવી ગઈ છે. એવું નથી, કે ડોકટરોની દવાની વાત આપણા હાથની બની ગઈ નથી. પરંતુ આજની પરિસ્થિતિમાં માનવતાનો, માણસાઈનો ધર્મ આપણે બધાએ બજાવવો ઘટે છે.
આપણો આખો દેશ અને આખી દુનિયા ‘કોરોના’ દૈત્યની સામે લડવામાં જોડાઈ રહી છે. એમ પણ કહી શકાય કે, આ મહારાક્ષસની સામે યુધ્ધે ચઢી છે.
જોકે, વહાલભીની માતાઓ, સ્નેહભીની બહેનો દીકરા-દીકરીઓ એવો સવાલ પૂછે છે કે, આવું પાતક કયાં સુધી ચાલશે ?
નાણાંની તંગી અને બેંકોમાંથી મળવા મેળવવાની અનિશ્ર્ચિતતા, જીવન જરૂરી ચીજોની પણ અછત અને અનિશ્ર્ચિતતા, દવા-ઔષધિઓની અછત અને ખરીદવા જવામાં હાલાકી-હાડમારી, જ્ઞાન-વિજ્ઞાનની શિક્ષણ સંસ્થાઓ બંધ, સોયથી માંડીને સોના સુધીના વેપાર-ધંધા બંધ, ખરીદી થંભી જવાથી ચીજોની કિમતમાં ચઢાવ-ઉતાર, ડોકટરોના દવાખાનાઓઉપર, વિદ્યાર્થીઓનાં ભણતર ઉપર વિપરિત અસર, ગામડામાંથી આવતા દૂધની ડિલિવરીમા હાડમારી, સોશ્યલ મિડિયાના સંચલનમાં બાધા રૂકાવટ, પરિવહનનાં સાધનો અને માલની અવરજવરની તકલીફો, અને હરિમંદિરોની ધાર્મિક કે માનવસેવાની પ્રવૃત્તિઓમાં હાનિકર્તા પ્રતિબંધ વગેરે બધું કયાં જઈને અટકશે, એ કહી શકાતું નથી.
ગૌશાળાઓ પણ જુદી જુદી મુશ્કેલીઓથી વંચિત નથી, સફાઈની કામગીરી નહિ થઈ શકવાના બનાવો બને છે. ગેરકાયદે ઉભી રહેતી ખાવા-પીવાની ચીજોની રેકડીઓ તો કોરોના સંબંધી સૂચનોનો બેફામ ભંગ કરે છે. કયાંક કયાંક મુસાફરો કફોડી સ્થિતિમાં મૂકાતા હોવાની સમસ્યા છે.
એક વાચકે તો એવું લખાણ લખી મોકલ્યું છે કે, ‘ચર્ચો પાસે અબજો ડોલર્સ કયાંથી આવ્યા? મસ્જીદો પાસે અબજો ડોલર્સ, મંદિરો પાસે ખર્વો રૂપિયા કયાંથી આવ્યા ?…
આપણે જ ધર્મસ્થાનોમાં ઉદાર હાથે દાન આપીએ છીએ, પણ કોઈએ આ દાન સાયન્સ-રિસર્ચ માટે વાપરવાનું કયારેય વિચાર્યું નથી.
કોરોના મહામારી સમયે આ બધા ધર્મસ્થાનો તમારી પાસેથી (સમાજ પાસેથી અબજો રૂપીયા ખંખેરી, બંધ કરીને બેસી ગયા છે ને હોસ્પિટલો ચાલુ છે. ધર્મગૂરૂઓ એમના દરમાં છૂપાઈ ગયા છે. અને દાકતરો-નર્સો મોતની પરવા કર્યા વિના કામ કરી રહ્યા છે.
આ બાબતે સાબિત કરી દીધું છે કે આ જગતમાં માનવધર્મ જ સર્વશ્રેષ્ઠ છે, અને ભવિષ્યમાં દાન દેનારનો માનવધર્મનો મહત્વનો સંદેશ આપી શકે છે.
આ લખાણ વિષે કશી જ સમીક્ષા કર્યા વિના એમ કહેવું ઘટે કે, દાનનો મહિમા અજોડ છે. દાન આપવાની કોઈપણ ઘટના આપણા સમાજની શોભા છે. દાનવીરો આપણા સમાજના ધરેણા છે. દાનનો સદપયોગ થયો ન હોત તો અનન્ય સેવા સંસ્થાઓ આપણા સમાજને સાંપડી ન હોત !
આની સાથે સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે આપણા દેશમાં ધર્મસ્થાનો માટે ભલે ગમે તેટલું દાન અપાય, પણ માનવજાત માટે અને માનવસમાજ માટે ઉપયોગી બને એવા સંશોધનો માટે દાન વપરાય તે આવશ્યક છે.
અમેરિકા આગળ પડતો દેશ છે. તે એટલા માટે કે તેણે ‘ધર્મ’ કરતા સંશોધનોમાં વધુ પૈસા વાપરવાની નીતિ અપનાવી છે…
જોકે, ‘કોરોના’ વાયરસની બાબતમાંતેવા વૈજ્ઞાનિકોએ કશું જ સંશોધન કર્યું હોવાનું પ્રતીત થતું નથી !