આ વર્ષની થીમ ‘આઈ કેન વી કેન’: દર વર્ષે કેન્સરથી થતા મૃત્યુના આંકમાં ૫ લાખનો વધારો નોંધાયો

આવતીકાલે વર્લ્ડ કેન્સર ડેના સંદર્ભમાં કેન્સર થવાના કારણો, તેના ભયજનક લક્ષણો, કેન્સરની સારવાર વિગેરે વિશેની વિસ્તૃત સમજણ અને માહિતી વોકહાર્ટ હોસ્પિટલના કેન્સરના રોગોના નિષ્ણાંત સર્જન ડો.દિપેન પટેલ દ્વારા આપવામાં આવી છે. જેમાં કેન્સર દિવસની ઉજવણીના ભાગ‚પે ડો.દિપેન પટેલે જણાવેલ હતું કે વિશ્ર્વ કેન્સર દિવસ સૌપ્રથમ જીનીવા, સ્વિત્ઝર્લેન્ડમાં ૧૯૩૩ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય કેન્સર કંટ્રોલ યુનિયન દ્વારા ઉજવવામાં આવ્યું હતું. જેમાં અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, કેન્સર સારવાર કેન્દ્રો તથા દર્દીઓના સમુહોએ પણ ભાગ લીધો હતો ત્યારથી જ દર વર્ષે ૪થી ફેબ્રુઆરીને વિશ્ર્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે લોકોમાં કેન્સર અંગેની જાગૃતિ આવે, તેમને તંદુરસ્તી માટે સારો ખોરાક લેવા, નિયમિત અને પુરતા પ્રમાણમાં શારીરિક કાર્યો કરવા તેમજ આસપાસ જોવા મળતા કેન્સર પ્રેરક ખોરાક તેમજ વસ્તુઓથી કેવી રીતે બચવુ તે વિશે અનુરોધ કરવામાં આવે છે. ૨૦૧૬ થી ૨૦૧૮ સુધીના ત્રણ વર્ષમાં આપણે કેન્સરના પ્રમાણને કેવી રીતે ઘટાડી શકીએ તે માટે ખાસ થીમ ‘આઈ કેન-વી કેન’ આપવામાં આવી છે.

ડો.દિપેન પટેલે વધુમાં જણાવેલ હતું કે, જેમ આપણો આર્થિક અને સામાજિક વિકાસ થતો જાય છે તેમ આપણી લાઈફ સ્ટાઈલના કારણે આપણે કેન્સરજન્ય વસ્તુઓ જેમ કે, ધુમ્રપાન, ગુટખા સેવન, મેદસ્વીપણુ, બેઠાડુ જીવન, પ્રદુષણ અને બિનઆરોગ્યપ્રદ ખોરાક વિગેરેના સંપર્કમાં વધારેને વધારે આવતા જઈએ છીએ. વધતા કેન્સરને રોકવા માટે સમાજમાં લાઈફ સ્ટાઈલ અને કેન્સરના સંબંધો વિશે જાગૃતિ ફેલાવવી એ સૌપ્રથમ પગથીયું છે. સૌથી વધારે મોં, ગળા, સ્તન, ફેફસા, જઠર, આંતરડા અને પ્રોસ્ટેટના કેન્સરનો સમાવેશ થાય છે. અન્ય ૨૫૦ પ્રકારના કેન્સર આપણા શરીરમાં વિવિધ અંગોમાંથી ઉદભવી શકે છે. સૌથી અગત્યના કારણોમાં ધુમ્રપાન, મદ્યપાન, પ્રદુષણ, અયોગ્ય આહાર અને કેન્સરજન્ય ચેપી રોગોનો સમાવેશ થાય છે.

ધુમ્રપાન એ સૌથી મોટું કેન્સરજન્ય પરિબળ છે. કેન્સરથી થતા કુલ મૃત્યુઆંકમાંથી ૨૨% તમાકુના ઉપયોગથી થાય છે. તેમજ તમાકુથી દર વર્ષે ૫૦ લાખ મૃત્યુ થાય છે. તમાકુનો ઉપયોગ નિયંત્રણમાં લાવવાથી વિવિધ કેન્સર જેવા કે ફેફસા, મોઢા, સ્વરપેટી, અન્નનળી, સ્વાદુપીંડ, મુત્રાશય, કીડની, ગર્ભાશયના મુખ, જઠર અને રકત કેન્સરની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે તેમ છે. દા‚ના સેવનથી છ પ્રકારના કેન્સરોનું જોખમ વધે છે. જેમાં મોઢા, સ્વરપેટી, અન્નનળી, લીવર, સ્તન અને સ્વાદુપીંડનો સમાવેશ થાય છે. મેદસ્વીપણુ અને બેઠાડુ જીવન એ આંતરડા, સ્તન, ગર્ભાશય, અંડાશય, સ્વાદુપીંડ, અન્નનળી, કીડની અને પીતાશયના કેન્સરમાં વધતી ઉંમરે નોંધપાત્ર વધારો પ્રેરે છે. દર વર્ષે વધતા જતા કેન્સરના દર્દીઓના આંકડા અને તેના લીધે થતા મૃત્યુના આંકડાઓ જલ્દી જ અવકાશ આંબે તેવી વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે.

કેન્સરના લક્ષણો વિશે માહિતી આપતા ડો.દિપેને જણાવેલ હતું કે, કેન્સરના લક્ષણોમાં સતત વજન ઉતરવું, અવાજમાં ફેરફાર, સ્તનમાં સોજો કે ગાંઠ, ગળાના ભાગમાં ગાંઠ થવી, મોઢાના ભાગમાં ન ‚ઝાતુ ચાંદુ, ભુખ ન લાગવી, મળદ્વારમાંથી દુખાવા વગર લોહી વહેવું, ખોરાક ખાવામાં કે પાણી ઉતારવામાં તકલીફ, ચામડીના તલના કદ/રંગમાં અચાનક ફેરફાર, મેનોપોઝ પછી યોનીમાર્ગમાંથી લોહી પડવું આ બધા કેન્સરના લક્ષણો છે. કેન્સરની સારવાર હવે કારગત નીવડે છે. જેમાં શસ્ત્રક્રિયા (સર્જરી), કિમોથેરાપી, રેડિયોથેરાપી (શેક)નો સમાવેશ થાય છે.

કેન્સરને થતુ અટકાવવા માટે શું પગલા લેવા જોઈએ તે વિશે માહિતી આપતા ડો.દિપેને જણાવ્યું હતું કે, શું આપણે કયારેય વિચાર્યું છે કે જો તમાકુ અને બીડી સિગારેટથી આટલા મોટા પ્રમાણમાં કેન્સરનો રોગ ફેલાતો હોય તો શા માટે સરકાર તેના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ નથી લાદતી ? કારણકે ગુટખા ઈન્ડસ્ટ્રીએ છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષમાં ૫૦૦ મિલિયન ડોલરનો વકરો કરે છે. ઈન્ડસ્ટ્રીઝનો વિકાસ સૌથી વધુ ૨૫-૩૦% પ્રતિ વર્ષ થતો જણાય છે. માટે આટલી વિશાળ ઉત્પાદન લોબીને ફકત આર્થિક લાભ ખાતર સરકાર બંધ ન કરીને માત્ર તેના પેકેટ ઉપર વિવિધ પ્રકારના કેન્સરના દર્દીના ભયજનક ફોટોગ્રાફ છપાવવા જેવા નાના પગલા જ લઈ રહી છે. વાસ્તવીકતામાં સરકારે તેના ઉત્પાદન અને વિતરણ બંને પર ચુસ્ત પ્રતિબંધ લાદીને જનતાના કરોડો ‚પિયા તમાકુ અને તેનાથી થતા કેન્સરની નિદાન અને સારવાર પર વેડફાતા અટકાવવા જોઈએ. ‘આઈ કેન વી કેન’ થીમ જેમાં આઈ ક્રેનમાં ધ્રુમપાન છોડો, નિયમિત કસરત કરવી, દા‚નું સેવન બંધ કરવું, તંદુરસ્ત આહાર લેવો, વધારે પડતા સુર્યપ્રકાશમાં જવાનું ટાળો, કેન્સરજન્ય રોગોની રસી લેવી. વી કેનમાં તંદુરસ્ત પર્યાવરણવાળી શાળાઓ, કાર્યસ્થળો અને શહેરોનો વિકાસ, તબીબી ક્ષેત્રે કેન્સરના રોગોના લક્ષણો પ્રત્યે પ્રજાને જાગૃત કરી શકે તેવા કાર્યકરો પુરા પાડવા, તંદુરસ્ત જીવનશૈલી માટેના સરકારના નીતિ નિયમો, વહેલા નિદાન, સ્ક્રીનીંગ અને સારવાર માટેની સુવિધાઓ વધારવી, રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામો યોજવા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.