આમ્રપાલી ફાટકે અન્ડર બ્રિજની કામગીરી દરમિયાન સ્વામીનારાયણ મંદિર પાસે ડીવાઇડર હટાવવા કરાઇ માગ
ટ્રાફિક વોર્ડનની સામાન્ય ભુલના કારણે ટ્રાફિક જામ થવાની ગંભીર સમસ્યા સહિત ૬૬ મુદે પોલીસને કરાયા સુચન
ટ્રાફિક સિગ્નલ પર સ્ટોપ લાઇન, લેફટ લાઇન ખુલ્લી રાખવી, નો પાર્કીગ અને નો એન્ટ્રીના સાઇનીંગ બોર્ડ લગાવવા સહિતના મુદે વિસ્તૃત ચર્ચા
શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અને ટ્રાફિક નિયમનનો અમલ કરાવવામાં વાહન ચાલકો દ્વારા પોલીસને સહકાર અને સહયોગ મળી રહે તે માટે હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા ઓપન હાઉસનું આયોજન કરતા શહેરીજનોએ ટ્રાફિકના વિવિધ મુદે ૬૬ જેટલા સુચન કર્યા હતા. ઓપન હાઉસના આયોજન સમાજીક સંસ્થાના આગેવાનો અને વેપારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં ટ્રાફિક નિયમન માટે શ્રેષ્ઠ વ્યવસ્થા માટે પોલીસ અને પ્રજા વચ્ચે સિધો સંવાદ કરી ટ્રાફિક નિયમન વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા અને ટ્રાફિક એસીપી ભરતસિંહ ચાવડા સહિતના અધિકારી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા ઓપન હાઉસમાં બાર એસોસિએશનના હોદેદારો, બોલબાલા ટ્રસ્ટના હોદેદારો સહિત મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉપસ્થિત રહ્યા હતા. શહેરની ટ્રાફિક સમસ્યા અંગે ૬૬ જેટલા મુદે ચર્ચા થઇ હતી. જેમાં સ્ટોપ લાઇન, વન-વે, નો પાર્કીંગ, લેફટ લાઇન ખુલ્લી રાખવા સહિતના મુદે વિસ્તૃત રજૂઆત કરી ભુલથી ટ્રાફિક નિયમનો ભંગ ન થાય તે માટે સાઇનીંગ બોર્ડ લગાવવા જરી હોવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
વન-વે પર સાઇનીંગ બોર્ડની સાથે સાથે વોર્ડન ઉભા રાખવાથી ટ્રાફિક નિયમનો ભંગ ન થાય અને વાહન ચાલક દંડથી બચી શકે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. ટ્રાફિક વોર્ડન ૩૦૦ જેટલા હતા ત્યારે જે રીતે કામગીરી થતી તેવી જ રીતે હાલ ૮૦૦ જેટલા ટ્રાફિક વોર્ડન દ્વારા કરવામાં આવે છે. ટ્રાફિક વોર્ડનને યોગ્ય તાલિમ આપવામાં આવે તો તેઓ વધુ સારી રીતે કામગીરી કરી શકે તેમ હોવાનું સુચન કરવામાં આવ્યું હતું.
શહેરમાં પાર્કીંગ વ્યવસ્થા નથી તો તાકીદે પાર્કીગની વ્યવસ્થા ઉભી કરી તેની યાદી જાહેર કરવા માટે માગણી કરવામાં આવી હતી. પોલીસ અને મહાપાલિક દ્વારા દબાણ હટાવવાની થતી કામગીરીને બિરદાવવામાં આવી હતી તેમજ આ કામગીરીને વધુ અસરકારક બનાવવામાં માગણી કરવામાં આવી છે. શહેરમાં ભારે વાહનોના નો એન્ટ્રીનો કડક રીતે અમલ કરાવવામાં આવે તો પણ અકસ્માતની સંખ્યા ઘટાડી શકાય અને ટ્રાફિક સિગ્નલ પર લેફટ લાઇન ખુલ્લી રખાવવા માટે વોર્ડન કામગીરી કરે તેવી માગણી કરવામાં આવી છે.
આમ્રપાલી રેલવે ફાટકે અંડર બ્રીજના ચાલી કરેલી કામગીરીના કારણે મહિલા કોલેજ અન્ડર બ્રીજ અને એરપોર્ટ ફાટક પર ટ્રાફિકનું ભારણ વધી જતાં સ્વામી નારાણય મંદિર પાસે બંધ કરાયેલા ડીવાયડર હટાવવા માંગણી કરવામાં આવી હતી. ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ અને વોર્ડન મોબાઇલમાં મસ્ત રહેતા હોય છે. અને ડીસીપ્લીનનો ભંગ કરી જાહેરમાં સિગારેટ અને પાન-ફાકી ખાતા હોવાથી તેઓને પણ શિસ્તના પાઠ ભણાવવા જરી છે. પોલીસ અને વોર્ડનના ડીસીપ્લીનના અભાવે વાહન ચાલકો પોલીસથી ડરતા ન હોવાનું પણ સુચન કરવામાં આવ્યું છે. શહેરની ટ્રાફિક સમસ્યા અંગે પોલીસ દ્વારા સુચન મેળવી તેના પર વિચારણા કરવા અને આગામી ત્રણ માસમાં ફરી ટ્રાફિકના મુદે ઓપન હાઉસ યોજવામાં આવશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.