પાયલોટ પ્રોજેકટ માટે સરકારે કામગીરી શરૂ કરી: ત્રણ આઈએએસ ઓફિસરની નિમણૂંક
રેશનિંગની દુકાનોમાં અનાજ વિતરણમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર દ્વારા અસરકારક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેના અંતર્ગત હવે એલપીજી ગેસની જેમ અનાજ પર મળતી સબસીડી પણ લોકોના ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. જેથી અનાજના વિતરણમાં થતા ગોટાળા અને ભ્રષ્ટાચારને ડામવામાં આ નિર્ણય ખુબ અસરકારક રહેશે.
એમ પણ કહેવાઈ રહ્યું છે કે, ઈલેટ્રોનીક પોઈન્ટ ઓફ સેલ દ્વારા ચૂકવણી બાદ લાભાર્થીઓને તે જ સમયે સબસીડી ખાતામા જમા કરાવી દેવામાં આવશે. આ માટે સરકાર દ્વારા ત્રણ આઈએસ ઓફિસરને પાયલોટ પ્રોજેકટ માટે જવાબદારી સોંપી છે જેઓ રાંચીમાં સમગ્ર સીસ્ટમ બાબતે ચકાસણી કરી રહ્યાં છે.
આ નિર્ણયનો મુખ્ય હેતુ લોકોને મળતા લાભ કોઈ ત્રાહિત વ્યક્તિ પચાવી ન જાય તેનો ખ્યાલ રાખવાનો છે. જેમાં સબસીડી તેમજ અનાજ બન્નેમાં થતા ભ્રષ્ટાચારનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં અંદાજીત ૮૧ કરોડ લાભાર્થીઓ અનાજની સબસીડીનો લાભ મેળવે છે. જેમાં હજુ પણ ઘણી ખામીઓ જોવા મળી રહી છે. જો કે, નવો નિયમ લાગુ થતા લોકોને સરકારી યોજનાનો સીધો લાભ મળી રહેશે.