ટમેટા, ચોખા, ઘઉં, મગફળી, વિવિધ તેલ, ડુંગળી, તુવેર દાળ અને દૂધ સહિતની ૨૨ વસ્તુઓના ભાવ નિયંત્રીત કરવા તૈયારી
વર્તમાન સમયમાં દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં સરકારની એમ.એમ.ટી.સી. દ્વારા ૧૧૦૦૦ ટનનો ઓર્ડર અપાયો છે. મોટા પ્રમાણમાં બહારથી ડુંગળી આયાત કરવાથી સ્થાનિક સ્તરે ડુંગળીના ભાવ તૂટશે તેવું માનવામાં આવે છે. આ ડુંગળી તુર્કીમાંથી ખરીદવામાં આવશે. બીજી તરફ ઈજીપ્તમાંથી પણ ૬૦૦૦ ટન જેટલી ડુંગળી ખરીદવાની તૈયારી દાખવવામાં આવી છે. ડુંગળીના ભાવ નીચે લાવવા સરકાર મથામણ કરી રહી છે. ડુંગળીની જેમજ હવે સરકાર ટમેટા, ચોખ્ખા, ઘઉં, તુવેરદાળ, અડદ દાળ, મગદાળ, મસુરદાળ, ખાંડ, મગફળીનું તેલ, વનસ્પતિ અને સનફલાવર તેલ, સોયા, પામોલીન તેલ તેમજ બટેટાના ભાવને પણ જાળવી રાખવા તૈયારી કરી રહી છે.
તાજેતરમાં ડુંગળીના કુદકે ને ભુસ્કે વધેલા ભાવને કારણે સરકાર મુંઝવણમાં મુકાઈ હતી. ગત મહિને કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવને ઘટાડવા માટે ૧.૨ લાખ ટન ડુંગળીની આયાત કરવાની તૈયારી કરી હતી. ડુંગળીની આયાત માટે મંજૂરી મળ્યા બાદ તુર્કીથી ૧૧૦૦૦ ટન ડુંગળી ભારતમાં લાવવાની ગણતરી સરકારની છે. મોટા શહેરોમાં ડુંગળીના ભાવ ૧૨૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. આ ભાવમાં ઘટાડો લાવવા માટે સરકારે પ્રયત્નો કર્યા છે. આવી જ રીતે સરકારે હવે જીવન જરૂરી કુલ ૨૨ વસ્તુઓના ભાવને પણ નિયંત્રીત કરવાની તૈયારી કરી છે. ફુગાવાના કારણે ડુંગળી સીવાયની અન્ય વસ્તુના ભાવ પણ ધીમે ધીમે વધતા જાય તેવી સ્થિતિમાં ભારત સરકાર જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધે નહીં તેવા પ્રયત્ન કરે છે. અગાઉની તૈયારીના ભાગરૂપે સરકારે અન્ય વસ્તુઓને પણ ભાવ બાંધણામાં લાવવાની ઈચ્છા વ્યકત કરી હતી.
ડુંગળીના ભાવમાં વધારા મામલે તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં વિવિધ મંત્રીઓની એક બેઠક મળી હતી. જેમાં ડુંગળીના ભાવ નીચે કઈ રીતે લાવવા તે મામલે ચર્ચા થઈ હતી. આ મામલે ફૂડ એન્ડ ક્નઝયુમર મીનીસ્ટર રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે, ૨૦૧૯-૨૦માં ડુંગળીનું ઉત્પાદન ૨૬ ટકા ઘટીને ૫.૨ મીલીયન ટને પહોંચી ગયું છે. ડુંગળી સીઝનલ પાક છે. માર્ચથી જૂન, ઓકટોબરથી ડિસેમ્બર જ્યારે જાન્યુઆરીથી માર્ચમાં ડુંગળીનો પાક થાય છે. વર્ષ ૨૦૧૯-૨૦માં ડુંગળીનું વાવેતર ૩ થી ૪ અઠવાડિયા મોડુ રહ્યું હતું. ચોમાસુ મોડુ હોવાના કારણે સમસ્યા સર્જાઈ હતી. કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ઉભા પાકને નુકશાન પહોંચ્યું હતું. જેના પરિણામે હાલ ડુંગળીના ભાવ પર માઠી અસર પહોંચી રહી છે. આવી સ્થિતિ અન્ય પાકમાં ન સર્જાય તે માટે સરકારે જીવન જરૂરી ૨૨ વસ્તુઓના ભાવને નિયંત્રીત કરવાની તૈયારી કરી છે. આ ભાવ માટે દેશની ૧૦૯ માર્કેટમાંથી ડેટા એકઠા કરવામાં આવ્યા હતા.