- વર્ષ દરમિયાન અંદાજે 23.78 કરોડની રોકડ અર્પણ, આભૂષણો, ભેટની સંખ્યામાં વ્યાપક વધારો
યાત્રાધામ દ્વારકાના વિશ્વ પ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરની ગત નાણાંકીય વર્ષ 2023-24 માં આશરે 81.50 લાખ જેટલા યાત્રીકોએ મુલાકાત લઈ દર્શન કર્યા હતા. તો વર્ષ દરમ્યાન અંદાજે 23.78 કરોડની રોકડ ભેટ સ્વરૂપે અર્પણ કરાઈ હતી. આભુષણોમાં આશરે 1.70 કિલો સોનું તથા 50.60 કિલો જેટલી ચાંદી ભાવિકો દ્વારા શ્રીજીના ચરણોમાં અર્પણ કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં દાયકામાં દ્વારકા યાત્રાધામમાં આવતા ભાવિકોની સંખ્યામાં તેમજ શિવરાજપુર બીચ તથા અન્ય ટુરીસ્ટ ડેસ્ટીનેશનના માળખાકીય વિકાસ સાથે સુવિધાસભર માહોલમાં તેમજ કુદરતી સૌંદર્યની સાથોસાથ મૌસમની મહેરબાની સમાન યાત્રાધામ દ્વારકા યાત્રીકો તથા સહેલાણીઓની પહેલી પસંદ બની ગયુ છે. જેથી ટુરીઝમના વિકાસની સાથોસાથ સમગ્ર ક્ષેત્રમાં મુલાકાતીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળ્યો છે.
શારદાપીઠમાં શંકરાચાર્યજીના આશિર્વાદ લીધા
દ્વારકાધીશના દર્શન કર્યા બાદ પરીમલભાઈ નથવાણીએ દ્વારકા શારદાપીઠની મુલાકાત લઈ જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશિર્વાદ પ્રાપ્ત કરી વિચારગોષ્ઠી કરેલ.
રિલાયન્સથી સંસદસભ્ય સુધીની સફર રાજાધિરાજને આભારી
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગૃપ પ્રેસીડેન્ટ તથા રાજ્યસભાના સાંસદ તેમજ દેવસ્થાન સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ પરિમલભાઈ નથવાણી આજે દ્વારકાની મુલાકાતે આવેલ અને સૌપ્રથમ જગતમંદિરમાં કાળિયા ઠાકોરને શિશ જુકાવી ઠાકોરજીની પાદુકાનું પૂજન કરી ધન્યતા અનુભવેલ. આ પ્રસંગે પરીમલભાઈએ પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે રીલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટન્ટથી લઈને સંસદસભ્ય સુધીની સફર દ્વારકાધીશજીને આભારી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમુદ્રમાં ડુબેલી પ્રાચીન દ્વારકાનો અભ્યાસ કર્યો અને દ્વારકાના વિકાસ પ્રત્યે મોદીજીનું જે સપનું છે તે આપણે સાથે મળીને પૂર્ણ કરવાનું છે.
આ તકે સાંસદ પરીમલભાઈએ પત્રકારો સમક્ષ વાતચીત કરતા જણાવેલ કે અગાઉ મે પંદર વર્ષ સુધી દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે સેવાઓ આપેલ અને દ્વારકાધીશ મંદિરમાં સેવા આપવાનો અવસર મળવા બદલ તથા હાલમાં મારી જગ્યાએ મારા પુત્ર ધનરાજને આ સેવાનો મોકો મળવા બદલ પરીમલભાઈએ દ્વારકાધીશનો આભાર માન્યો હતો. વધુમાં તેમણે જણાવેલ કે રીલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટન્ટથી લઈને સંસદસભ્ય સુધીની સફર દ્વારકાધીશજીને આભારી છે અને તેમના જીવનની સફળતાનો શ્રેય તેમણે રાજાધિરાજ દ્વારકાધીશજીને આપ્યો હતો.