નાના મવા ચોક, અયોધ્યા ચોક, સાધુ વાસવાણી રોડ, સોમનાથ સોસાયટી અને કિડવાઈનગર સહિત છ સ્થળોએ પ્લોટની પસંદગી: ટૂંક સમયમાં જમીન વેંચાણ માટે હરરાજીની તારીખોનું કરાશે એલાન
કોરોનાકાળમાં ટેકસની આવકમાં પડેલા તોતીંગ ગાબડાના કારણે હાલ કોર્પોરેશનની તિજોરી તળીયા ઝાટક થઈ જવા પામી છે. વિકાસ કામો પર નાણાકીય ભીડના કારણે કોઈ અસર ન પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં અલગ અલગ છ સ્થળે કરોડો રૂપિયાની જમીન વેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાના મવા ચોક, અયોધ્યા ચોક, સાધુ વાસવાણી રોડ, સોમનાથ સોસાયટી અને કીડવાયનગર વિસ્તારમાં સોનાની લગડી જેવા પ્લોટ વેંચવા માટે પસંદગી કરવામાં આવી છે. ટૂંક સમયમાં જમીન વેંચાણ માટે જાહેર હરરાજીની તારીખોનું એલાન કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં કોર્પોરેશન દ્વારા જમીન વેંચાણનો રૂા.૧૦૦ કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વેસ્ટ ઝોન વિસ્તારમાં અલગ અલગ છ સ્થળોએ જમીન વેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટીપી સ્કીમ નં.૩ (નાના મવા) આખરી ખંડ નં.૪ પૈકીની ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાના મવા ચોકમાં આવેલા વાણીજય વેંચાણ હેતુ માટેના ૯૪૩૮ મીટરના પ્લોટ, ટીપી સ્કીમ નં.૯ (રાજકોટ)ના આખરી ખંડ નં.આર/૮ના અયોધ્યા ચોક પાસે ૧૦ સ્પાયર બિલ્ડીંગની સામે બંધન પાર્ટી પ્લોટની પાછળ રહેણાંક હેતુના ૯૬૭૯ ચો.મી.નો પ્લોટ, ટીપી સ્કીમ નં.૯ (રાજકોટ)ના આખરી ખંડ નં.સી/૯ના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોક પાસે સીનર્જી હોસ્પિટલ નજીક આસ્થા એવન્યુ સોસાયટી રોડ પર વાણીજય વેંચાણ હેતુનો ૩૭૧૩ ચો.મી.નો પ્લોટ, ટીપી સ્કીમ નં.૪ (રૈયા)ના આખરી ખંડ નં.૭૬૯ના રૈયા રોડ પર સાધુ વાસવાણી રોડની બાજુમાં આવેલા ૩૨૨૧ ચો.મી.નો વાણીજય વેંચાણ હેતુ માટેનો પ્લોટ, ટીપી સ્કીમ નં.૧(રૈયા)ના આખરી ખંડ નં.૧૨૭૯ના સોમનાથ સોસાયટી વોર્ડ નં.૯ની વોર્ડ ઓફિસ સામે આવેલ વાણીજય વેંચાણ હેતુનો ૧૨૧૫ ચો.મી.નો પ્લોટ અને ટીપી સ્કીમ નં.૪ (રૈયા)ના ફાઈનલ પ્લોટ નં.૪૫૫ કીડવાઈ નગર વિસ્તારમાં નટરાજનગર સામે વાણીજય વેંચાણ હેતુનો ૬૬૮ ચો.મી.નો પ્લોટ જાહેર હરરાજીથી વેંચવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ તમામ ૬ પ્લોટની પ્રતિ ચો.મી. અપસેટ કિંમત બજાર ભાવ મુજબ રૂા.૮૦ હજારથી લઈ ૧.૨૫ લાખ નિયત કરવામાં આવી છે. જમીન વેંચાણ માટે જાહેર હરરાજીની તારીખો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં થોડી ઘણી મંદી પ્રવર્તી રહી છે. છતાં જો અપસેટ કિંમત મુજબ તમામ પ્લોટની સફળતાપૂર્વક હરરાજી થશે તો મહાપાલિકાને ૧૫૦ કરોડથી પણ વધુની આવક થાય તેવી સંભાવના હાલ જણાય રહી છે. તમામ પ્લોટનું લોકેશન ખુબજ સારૂ હોય બિલ્ડરોને પણ જમીન ખરીદીમાં રસ પડે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
જમીન વેચાણનો ૧૦૦ કરોડનો લક્ષ્યાંક: અપસેટ કિંમત ૮૦ હજારથી ૧.૨૫ લાખ
ચાલુ નાણાકીય વર્ષમાં કોર્પોરેશનને જમીન વેચાણનો ૧૦૦ કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે. જે અંતર્ગત શહેરના વેસ્ટ ઝોનમાં અલગ અલગ છ સ્થળોએ જમીનના પ્લોટ વેચવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.જેમાં અપસેટ કિંમત ૮૦ હજારથી લઇ ૧.૨૫ લાખ સુધી નિયત કરવામાં આવી છે.હાલ કોરોનાકાળમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે થોડી મંદી પ્રવર્તી રહેલી છે.છતાં જો મહાપાલિકાના તમામ પ્લોટની હરાજી સફળ રહી તો ૧૫૦ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે બજેટમાં જમીન વેચાણનો લક્ષ્યાંક રાખવામાં આવે છે પરંતુ જ્યારે આર્થિક કટોકટી ઉભી થાય ત્યારે જ મહાપાલિકા દ્વારા જમીનનું વેચાણ કરવામાં આવે છે. આ વર્ષે શહેરના વેસ્ટ ઝોન અલગ અલગ છ સ્થળોએ જમીન વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.