- પરીક્ષાર્થીઓએ દેકારો કરતા યુનિવર્સીટીએ ભૂલ સુધારી તાકીદે નવું પ્રશ્નપત્ર કાઢ્તા વિવાદ શાંત થયો
જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વિવાદમાં આવી છે. બી.એડ.સેમ-4નું કોમ્પ્યુટરનું પેપર 35 માર્કના બદલે 70 માર્કનું આપી દેતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા. યુનિ.ની ભુલને પગલે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. બીએડ સેમ-4ની પરીક્ષાના પેપરમાં હાલની પરીક્ષા પદ્ધતિ મુજબ 35 ના બદલે 70 માર્કસનું પેપર અપાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. બીએડના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે 70 માર્કસનું પેપર આપવામાં આવ્યું હતું. તેનો સમય 2:30 કલાકનો હતો. હકિકતે 35 માર્કસનું પેપર આપવાનું હોય છે અને તેનો સમય પણ 1:30 કલાકનો હોય છે.
ધોમ ધખતા તાપમા દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓને નરસિંહ મહેતા યુનિવર્સિટીની ભૂલ ના કારણે હેરાન થવાનો વારો આવ્યો હતો. અંતે નરસિંહ મહેતા યુનિવર્સિટીને પોતાની ભૂલ દેખાતા તાત્કાલિક 35 માર્કસનું પેપર વિદ્યાર્થીઓ માટે છપાવ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં બી.એડ.ના પેપરમાં ભૂલ દેખાતા પરીક્ષા ખંડમાંથી વિદ્યાર્થીઓ પાસેથી 70 માર્કસના પેપર પરત લેવામાં આવ્યા હતા. બાદમાં નિરીક્ષકો દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી. ત્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના પેપર સેટર દ્વારા તાત્કાલિક 35 માર્કસના પેપર કાઢી પરીક્ષા કેન્દ્રો પર મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પેપર આપ્યું હતું.