વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં મુંબઇ બીજા ક્રમાંકે !!

મુંબઇ વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં બીજા ક્રમાંકે આવી ગયું છે. આવું થવા પાછળ મુંબઇનો શિયાળો જવાબદાર છે. શિયાળા દરમિયાન મુંબઇના રજકરણો વાતાવરણને અસરકર્તા હોય છે જેથી શિયાળા દરમિયાન આ રજકરણો પ્રદુષણને ત્યાં જ રોકી દેતા હોય મુંબઇમાં શિયાળા દરમિયાન પ્રદુષણનું સ્તર વધી જાય છે. જેનું પરિણામ છે કે, મુંબઇ વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં બીજા ક્રમાંકે આવી ગયું છે. શિયાળાના ત્રણ માસ દરમિયાન જ પ્રદુષણનું સ્તર વધ્યું છે અને આ સ્તર ઉનાળો આવતા ચોક્કસ ઘટી જશે તેવી પ્રબળ શક્યતાઓ છે.

છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થતાં મુંબઈવાસીઓ કદાચ સારી રીતે શ્વાસ લઈ રહ્યા છે, પરંતુ સ્વિસ એર ટ્રેકિંગ ઈન્ડેક્સ(આઈક્યુ એર) અનુસાર, ૨૯ જાન્યુઆરી અને ૮ ફેબ્રુઆરી વચ્ચે મુંબઇ વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેરની યાદીમાં બીજા ક્રમે છે. ૨૯ જાન્યુઆરીના રોજ મુંબઈ આઈક્યુ એર રેન્કિંગમાં ૧૦મા ક્રમે હતું. બાદમાં ૨ ફેબ્રુઆરી અને ૮ ફેબ્રુઆરીએ મુંબઈ બીજા ક્રમે આવી ગયું હતું. ૧૩ ફેબ્રુઆરીના રોજ, મુંબઈ હવાની ગુણવત્તાની દ્રષ્ટિએ વિશ્વના ત્રીજા સૌથી પ્રદૂષિત શહેર તરીકે નામ નોંધાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈએ દિલ્હીને પણ પાછળ છોડી દીધું જે ભારતમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર હતું.

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)ના ડેટા અનુસાર ગત નવેમ્બર માસથી જાન્યુઆરી માસ દરમિયાન મુંબઇનું વાતાવરણ અગાઉના ત્રણ શિયાળાની સાપેક્ષે અત્યંત ખરાબ હતું. નિષ્ણાંતોના મત મુજબ મુંબઇનું વાતાવરણ કથળવા પાછળ વાહનોની વધતી જતી સંખ્યા, બાંધકામમાંથી નીકળતી ધૂળ અને ધુમાડો જવાબદાર છે. જેના લીધે હવે શશેરમાં શ્વાસ સંબંધીત રોગોમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે.

નિરી અને આઈઆઇટી-બી દ્વારા ૨૦૨૦ના અભ્યાસ મુજબ મુંબઈની હવામાં ૭૧ ટકાથી વધુ રજકણોના ભારનો સ્ત્રોત રોડ અથવા બાંધકામની ધૂળ છે. બાકીનો ઔદ્યોગિક અને પાવર એકમો, એરપોર્ટ અને કચરાના ડમ્પમાંથી આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.