- રાષ્ટ્રસંત પૂ. નમ્રમુની મહારાજ સાહેબની કૃપા પ્રેરણાથી
- મહારાષ્ટ્રનાં રાજયપાલ ભગતસિંહ કોશિયારી તથા કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોતમ રૂપાલાનાં શુભ હસ્તે એનિમલ એમ્બ્યુલન્સનો પ્રારંભ કરાવ્યો
સમસ્ત મહાજને સૌપ્રથમ મુંબઈ શહેર ’એનિમલ હોસ્પિટલ્સ ઓન વ્હીલ્સથી’ અબોલ જીવોની ઉત્કૃષ્ટ સારવારના મામલે નોખો અનુભવ કરાવ્યો હતો. આ સેવા હવે અગીયાર એમ્બ્યુલન્સ સાથે આખા શહેરમાં રાઉન્ડ ધ કલોક અને બેહદ અસરકારક રીતે મળવાની છે. રાષ્ટ્રસંત પૂ. નમ્રમુની મહારાજ ની કૃપાપ્રેરણાથી મુંબઇમાં સમસ્ત મહાજન દ્વારા માંદાઘાયલ અબોલ જીવોને ત્વરિત સારવાર મળે તે માટે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારીના શુભ હસ્તે રાજભવના ખાતે એનીમલ એમ્બ્યુલન્સનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોતમ રૂપાલાજી, મહારાષ્ટ્રના પશુપાલન મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ તથા જૈન સમાજનું ગૌરવ મહારાષ્ટ્ર રાજયના કૌશલવિકાસ પ્રધાન શ્રી મંગલ પ્રભાત લોઢા ઉપસ્થિત રહયાં હતાં.
કલ્પના કરો કે મુંબઈના કોઈક રસ્તા પર એક પશુ ઘાયલ પડયું છે. લોકો એની પાસેથી પસાર થઈ રહયા છે પણ કરતા કશું નથી. આવું અમાનવીય કે અકરૂણામય વર્તન કરવું ના પડે એવી કોઈક ગોઠવણ થાય તો ? શકય છે કે ઘણા વટેમાર્ગુઓ ઘાયલ પશુને કંઈક તો મદદ કરવા ચાહશે. સમસ્ત મહાજને એમના માટે એનીમલ હેલ્પલાઈનનો અને ઘાયલ પશુની સારવારનો અકસીર માર્ગ શોધ્યો છે. એ છે એનીમલ હોસ્પિટલ્સ ઓન વ્હીલ્સ. દેશમાં કદાચ મુંબઈપહેલું એવું શહેર બની રહયું છે. જયાં ઘાયલ અને માંદા અબોલ જીવોનો જીવ બચાવવા, તેમની પીડા દુર કરવા હવે ગણતરીની પળોમાં અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ થઈ રહી છે.
આ એમ્બ્યુલન્સ સામાન્ય નથી. એ ’કરૂણારથ’ છે. એની ખાસિયતો અનેક છે. એક સંપૂર્ણ એનીમલ હોસ્પિટલની ગરજ સારે એવી તમામ સગવડોથી એ સુસજજ છે, ઓકિસજન સિલિન્ડર, કોન્સન્ટ્રેશન અને થિયેટર, એનેસ્થેસિયા, ફ્રિજ, ગિઝર, અગ્નિરોધક સાધનો સહિત દવા અને તમામ આવશ્યક વૈદકીય ઉપકરણો સાથે ઉપલબ્ધ છે સાથે જ અનુભવી પશુચિકિત્સક તથા એનીમલ હોસ્પિટલ ઓન વ્હીલ્સનો વિશેષ હેલ્પલાઈન નંબર પણ કાર્યરત છે કોઈપણ વ્યકિત એના પર ફોન કરીને ઘાયલ કે માંદા પશુની જાણકારી આપે એ સાથે આ એમ્બ્યુલન્સ સારવારાર્થે પહોંચી જશે. બસ, પછી ઘટના સ્થળે જ અબોલ જીવોની તત્કાલ વિનામુલ્યે સારવાર થઈ શકશે.
વધુમાં સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય ગીરીશભાઈ જણાવે છે કે, ફેબ્રુઆરી 2022માં સમસ્ત મહાજને પહેલીવાર એનીમલ હોસ્પિટલ ઓનવ્હીલ્સની શરૂઆત કરી દીધી હતી. ત્યારે માત્ર એક એમ્બ્યુલન્સ હતી અને પછી ઉમેરાઈ બીજી એમ્બ્યુલન્સ, હવે એમાં એક સાથે 9 એમ્બ્યુલન્સ ઉમેરાશે. એનીમલ એમ્બ્યુલન્સની સંખ્યા 11 થવાથી કોઈ ઘાયલકે માંદા પશુઓને સારવારના અભાવે જીવ ગુમાવવાનો વારો નહી આવે, મુંબઈ મેટ્રોપોલીટન વિઝનના કોઈપણ ખૂણે અબોલ જીવ માટે સારવાર ત્વરાથી ઉપલબ્ધ થઈ શકશે. એ માટે મુંબઈને અગીયાર વિભાગમાં વહેંચીને દરેક વિભાગમાં એક-એક એમ્બ્યુલન્સ તૈનાત રખાશે તેથી સારવારનું કાર્ય તેજગતિથી થઈ શકે.