મહિલા સહિત પાંચ ઘવાતા હોસ્પિટલમાં ખસેડાયા : સામસામે ફરિયાદ નોંધવા તજવીજ
મોરબીના મકનસર ગામે પ્રેમજીનગરમા રાત્રીના સમયે ફાકીના પૈસાની બબાલમાં બે પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગેરેજે કામ કરી રહેલા ત્રણ યુવાનો ઉપર ધોકા, તલવાર વડે હુમલો થતા ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે સામે પક્ષે પણ ત્રણેક લોકોને ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને મોરબી પોલીસ રાજકોટ દોડી જઈ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે પ્રેમજીનગરમાં રહેતા જયેશ વેલજી શેખવા(ઉ.32)ગુલાબ વેલજી શેખવા(ઉ.29)અને સુનિલ બાબુભાઈ પરમાર(ઉ.30)ગેરેજે કામ કરતા હતા ત્યારે અજાણ્યા 6 શખ્સો તલવાર ધોકા લઈને ત્રાટકયા હતા અને હુમલો કરતા ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ આ હુમલા પાછળ ફાકીના પૈસાનો ઝઘડો કારણભૂત હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ઇજાગ્રસ્ત પૈકી ગુલાબ શેખવાને કરિયાણાની દુકાન હોય સુરેશ ચુનિભાઈ નામનો વ્યક્તિ ફાકી લીધા બાદ પૈસા ન આપતો હોય ગુલાબ સહિતના લોકોએ ઝઘડો કરી માર મારતા બન્ને પક્ષ સામસામે આવી ગયા હોવાનું જાણવા મળે છે.
દરમિયાન ગત મોડી રાત્રે બનેલા આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હાલમાં ત્રણેય ઇજાગ્રસ્તો રાજકોટ સારવારમાં હોય મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ સહિતની ટીમ રાજકોટ ખાતે દોડી ગઈ છે.હાલ આ બનાવમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.