જિલ્લા પંચાયતના સ્વ ભંડોળમાંથી નિર્માણ થનાર રોડનું શનિવારે કોંગ્રેસે અને રવિવારે ભાજપે કર્યું ખાતમુહૂર્ત
વર્ષોથી બિસ્માર હાલત માં રહેલા મોરબીના ભરતનગરથી બેલા ગામનો રોડ મંજુર થતા જ ખાતમહુર્ત કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હરીફાઈ જામી છે અને શનિવારે કોંગ્રેસે ખાતમુહર્ત કાર્ય બાદ ગઈકાલે ભાજપે આ જ રોડ નું ખાતમુહર્ત કરતા ભારે આશ્ચર્ય વચ્ચે લોકોમાં તરેહ તરેહ ની ચર્ચા ઉઠવા પામી છે.
બેલા ગામથી ખોખરા હનુમાનજી મંદિર- ભરતનગર સુધીનો ૬ કિ.મી. લાંબો માર્ગ વષોથી ખખડધજ હાલતમાં છે. ત્યારે શનિવારે અંદાજીત રૂ.૫.૨૫ કરોડના ખર્ચ મંજુર થયેલા આ માર્ગનું કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત દ્વારા ખાતમુર્હત કરાયું હતું. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જકાસણીયા, વાંકાનેરનાં ધારાસભ્ય પીરજાદા, કોંગ્રેસ આગેવાનો બ્રિજેશ મેરજા, કીશોર ચીખલીયા, ઘનશ્યામભાઈ જકાસણીયા, બેચરભાઈ હોથી સહિતના લોકો હાજર રહ્યા હતા.બીજી તરફ આજ રોડનું ગઈકાલે રવિવારે ભાજપ દ્વારા ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, ઇન્દોરના ધારાસભ્ય રમેશ મેદોલજી, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજય વર્ગીયની હાજરીમાં સાધ્વીજી કનકેશ્વરી દેવીનાં હસ્તે ખાતમુર્હતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
દરમિયાન મોરબીના ભરતનગરથી બેલા ગામના રોડ નું સાચું ખાતમુર્હત કોનું ગણવું તે અંગે ડી.ડી.ઓ. એસ.એમ.ખટાણાએ જણાવ્યું હતું કે, આ રોડ જિલ્લા પંચાયતનાં હસ્તક આવે છે. અને રોડનું કામ પણ જિલ્લા પંચાયતનાં હસ્તક થશે. તેથી જિલ્લા પંચાયત દ્વારા સત્તાવાર રીતે જ રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે.જયારે આ બાબતે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતનાં પ્રમુખ સોનલબેન જકાસણીયાએ જણાવ્યું હતું કે , બેલા ગામનો રોડ જિલ્લા પંચાયતનાં હસ્તકનો છે. અને ડીડીઓની મંજુરી લઈને તેમની હાજરીમાં કાયદેસર રીતે આ રીતનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે.