માનવતાની મહેક
વહીવટી તંત્ર સાથે ખભે ખભો મિલાવી દિવસ-રાત અસરગ્રસ્તો તેમજ રાહત કામગીરીમાં જોડાયેલ કર્મીઓને પૂરો પાડ્યો યથોચિત સહકાર
મોરબીનો ઝૂલતો પુલ તૂટી જવાના કારણે સર્જાયેલ દુર્ઘટનામાં મોરબી તથા સૌરાષ્ટ્રની અનેક સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તેમજ સ્થાનિક નાગરિકોએ સ્વયંભૂ જ આગળ આવી સેવાનો યજ્ઞ આદરી સૌરાષ્ટ્રની ખમીરતાના દર્શન કરાવ્યા છે.નાત-જાત કે ધર્મના ભેદભાવ ભૂલી સમગ્ર મોરબીવાસીઓએ આ આપદાની ઘડીમાં શકય તે તમામ રીતે સ્થાનિક વહીવટી તંત્ર તથા બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલ આર્મી, નેવી, એન.ડી.આર.એફ, ફાયર, પોલીસ વગેરેને મદદરૂપ થઈ પોતાની આગવી સંવેદના વ્યક્ત કરી છે.
મચ્છુ નદીના પ્રવાહમાંથી લોકોને બહાર લાવવા, દુર્ઘટનાના સ્થળેથી અસરગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા, ભોજન તથા રહેઠાણની વ્યવસ્થા, ફૂડ પેકેટ, દવા, વાહન, ચા-પાણી-નાસ્તો વગેરે જેવી નાનામાં નાની વ્યવસ્થાઓ પણ તાત્કાલિક ઉભી કરી તંત્રને તાકીદના સમયે મદદરૂપ થવાનું સ્થાનિક લોકો તેમજ સંસ્થાઓએ ગૌરવવંતુ કામ હાથ ધર્યું છે.
દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા શહેરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી સંવેદના વ્યક્ત કરી હતી.આ સેવા યજ્ઞમાં મોરબીના સ્થાનિક નાગરિકો ઉપરાંત મોરબી સીરામીક એસોસીએશન, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા, જયદીપ સોલ્ટ, જલારામ યુવક મંડળ, મુસ્લીમ યુવક મંડળ, મેડીકલ એસોસિએશન, પેપરમીલ એસોસિએશન, તરવૈયા ટીકર તરવૈયા માળીયા (મીં), રઘુવંશી એસોસિએશન, ક્રેઇન સર્વિસ ક્વોરી (ભેડીયા), આઇ.એમ.એ. મોરબી, ફીશીંગ બોટ એસોસિએશન, રાજપુત સમાજ, સંસ્કારધામ સ્વામિ નારાયણ મંદિર વગેરે જેવી અનેક સંસ્થા ઓનો અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થયો હતો.