મોટર સાયકલમાં આવેલા બે શખ્સોએ રોકડની લૂંટ ચલાવતા ભોગ બનનારે પ્રતિકાર કર્યો : વિડીયો વાયરલ
મોરબીમાં સરાજાહેર હત્યાઓના સિલસિલા બાદ આજે રવાપર રોડ ઉપર લીલાલહેર સામે મોટર સાયકલ ઉપર આવેલા બે શખ્સોએ બંદૂકના નાળચે રોકડ લૂંટવા પ્રયાસ કર્યા બાદ ભોગ બનનાર અને જાગૃત નાગરિકોએ પ્રતિકાર કરતા બન્ને શખ્સ નંબર પ્લેટ વગરના મોટર સાયકલમાં નાસી છૂટ્યા હતા.અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા વિડીયો વાયરલ થયો છે અને ભોગ બનનાર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક નજીક લીલાલહેર પાસે આજે ભરબપોરે ધોળે દહાડે નંબરપ્લેટ વગરના મોટર સાયકલ ઉપર ઘસી આવેલા બે શખસોએ રોકડ લઈને જઈ રહેલા યુવાનને આંતરી બંદૂકના નાળચે લૂંટ ચલાવી હતી પરંતુ ભોગ બનનાર વ્યક્તિએ બહાદુરી પૂર્વક બન્ને લુટારુઓનો સામનો કરી લુટારુને પાઈપના ઘા ઝીકી દીધા હતા અને લોકોએ પણ પાણા વાળી કરતા લૂંટારુ ભાગ્ય હતા અને લૂંટેલા રોકડનું બંડલ પડી ગયું હતું.બીજી તરફ આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લૂંટારૃઓના હુમલામાં ઘાયલ થયેલ ભોગ બનનાર યુવાનને ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.