૩૪૦૦ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને અત્યાર સુધીમાં ૪૨૫ ખેડૂતોની જ મગફળી ખરીદાઈ!! મામકવાદનો પણ આક્ષેપ
ગુજરાત સરકાર દ્વારા મોટે ઉપાડે કરાયેલી ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત બાદ મોરબી જિલ્લામાં ખેડૂતો મામકવાદનો ભોગ બની રહ્યા છે અને ટંકારામાં ૩૪૦૦ ખેડૂતોના રજીસ્ટ્રેશન બાદ અત્યાર સુધીમાં ફક્ત ૪૨૫ ખેડૂતોની જ મગફળી ખરીદાઈ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ ખેડૂત અગ્રણી બ્રિજેશ મેરજાએ કર્યો છે. ગુજરાત સરકારની ટેકાના ભાવે મગફળી ખરીદીની પોળ ખોલતા ખેડૂત અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદીની મસમોટી જાહેરાત કરી હતી પરંતુ મોરબી જિલ્લાના નક્કી કરાયેલા ખરીદ સેન્ટરોમાં લાભપાચમથી ખરીદીની શરૂઆત થઈ નહિ,વધુમાં ટંકારામાં ટેકાના ભાવે ખરીદી સેન્ટરમાં ગોલમાલ કજળતી હોવાનું જણાવી મામકાવાદનો ખેડૂતો ભોગ બની રહ્યા હોવાનું તેમને જણાવ્યું હતું. ઉપરાંત ટંકારા ખાતેના ટેકાના ભાવના ખરીદી મથકમાં અત્યાર સુધીમાં ૩૪૦૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં માત્રને માત્ર ૪૨૫ જેટલા ખેડૂતોની જ મગફળી વેચાઈ હોવાથી મંથર ગતિમાં ચાલતી કામગીરી ઝડપી બનાવવા માંગણી કરી હતી.
અંતમાં બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે સરકાર ખરીદી સેન્ટર ઉપર જ તોલમાપ સ્ટોરેજ સહિતની સુવિધા આપી ખેડૂતોના હિતમાં મગફળી ખરીદીમાં થતો વિલંબ દુર કરવા માંગણી ઉઠાવી હતી.