ભાઇના ઘરે ગયો ત્યારે છરી ઘા ઝીંકી ઢીમ ઢાળી હત્યારો ફરાર
મોરબીમાં આવેલા માળીયા-વનાળીયા ગામે મોરબીના યુવાન તેના ભાઇનાં ઘરે ગયો હતો ત્યારે જુની અદાવતનો ખાર રાખી પાડોશમાં રહેતા મિત્રએ છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું હતુ. બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ જરુરી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહીતી મુજબ મોરબીમાં ઇન્દીરા ચોકડી પાસે રહેતો અને મંજુરી કામ કરતો પ્રદીપ વિનોદભાઇ મકવાણા (ઉ.વ.30) નામનો યુવાન તેના ભાઇ સંદીપના ઘરે માળીયા-વનાણીયા ગયો હતો ત્યારે પાડોશમાં રહેતા તેનો મિત્ર કેવલદાસ નામના બાવાજી શખ્સે જુની અદાવતનો ખાર રાખી અને ઘરે આવી બોલાચાલી કરી પ્રદીપને છરીના ઘા ઝીંકી તેને ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક પુછતાછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક પ્રદીપ બેભાઇમાં નાનો હતો અને અપરીણીત હતો અને તે તેના પિતા સાથે મજુરી કામ કરતો હતો. મૃતકને તેના મિત્ર કેવલદાસ થોડા સમય પહેલા દારૂ પીને તેની સાથે માથાકુટ કરી હતી જે વાતનો ખાર રાખી તેનું ઢીમઢાળી દેવાનું હાલ જાણવા મળ્યું છે.
પોલીસ તપાસ અનુસાર કેવલદાસ સિવાય પણ અન્ય શખ્સો આ હત્યામાં સંડોવાયેલ છે જેથી તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.