સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા પણ વળતા હુમલામાં એક મહિલા સહિત બે વ્યક્તિ ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડાયા
જામનગર મહાનગર પાલિકા ના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા આજે ગુલાબ નગર નજીક મોહનનગર વિસ્તારમાં જેસીબી સહિતનું કામકાજ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે સ્થાનિક લોકો સાથે બોલા ચાલી થયા પછી ઝઘડો થયો હતો, અને સ્થાનિકોએ હુમલો કરી દીધો હતો, જેને હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. જ્યારે વળતા હુમલામાં એક મહિલા સહિત બે વ્યક્તિ પણ ઘાયલ થઇ હોવાથી તેને સારવાર અપાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર મહા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ જાડેજા કે જેના દ્વારા ગુલાબનગર નજીક મોહન નગર વિસ્તારમાં જેસીબી સહિતનું સફાઈ કામ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન સ્થાનિકો સાથે ઝઘડો થયા પછી સ્થાનિકો દ્વારા યુવરાજસિંહ પર હુમલો કરી દેવાતાં ઘાયલ થયા હતા, અને તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ સમયે યુવરાજસિંહ દ્વારા પણ વળતો હુમલો કરાયો હતો, જેમાં એક મહિલા સહિત બે વ્યક્તિ ઘાયલ થઈ હોવાથી તેઓને પણ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડીને પ્રાથમિક સારવાર અપાઈ છે.
આ મામલે પોલીસને જાણ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવ ના સ્થળે તેમજ જી.જી હોસ્પિટલ માં દોડી ગયો હતો, તેમ જ આ બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી ચાલી રહી છે.