સાઉન્ડ સિસ્ટમના વેપારીના એકના એક પુત્રને સંગદોષને કારણે નશાની ટેવ પડી, બાદમાં નશો છોડયો અને પબજી ગેમની આદતમાં ગળાફાંસો ખાઇ જિંદગી ટુંકાવી લીધી
શહેરના મોચીબજાર વિસ્તારમાં રહેતા સાઉન્ડ સીસ્ટમમાં મોટી નામના ધરાવતા વેપારીના પુત્રએ રાત્રીના સમયે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં પબ્જી ગેમ રમવાની કુટેવ તથા મનોરોગની બિમારીથી કંટાળી જીવન ટુંકાવ્યાનું ખુલ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોચીબજાર મેઇન રોડ પર રહેતા ચૌહાણ સાઉન્ડના નામે સાઉન્ડ સીસ્ટમનો વ્યવસાય કરતા જીતનભાઇ ચૌહાણએ કામ અર્થે પરિવારજનો સાથે બહાર ગામ ગયા હતા. ત્યારે ઘરે એકલા રહેલા નીશીત ચૌહાણ નામના ર૭ વર્ષીય યુવાને રવિવાર રાત્રીના પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બહાર ગામથી પરત ફરેલા નીશીતનો લટકતો મૃતદેહ જોઇ બુમો પાડવા લાગતા પાડોશી દોડી ગયા હતા. અને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. બનાવ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે.એમ. ભટ્ટને જાણ થતા ધટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડયો હતો. આપઘાતના બનાવથી ચૌહાણ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસની પ્રાથમીક તપાસમાં નિશિતને મનોરોગની બિમારી હોવાનું અને નાની નાની બાબતમાં ડીપ્રેશમાં આવી ચિડાઇ જવાનું તથા પબ્જી ગેમ રમવાની કુટેવ ધરાવતો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. બનાવ અંગે આત્મહત્યાનું કારણ શોધવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે પુત્ર નિષીત ધોરણ ૧૦મું ભણતો હતો ત્યારથી કેટલાક મિત્રોના સંગદોષના કારણે ગાંજાનો નશો કરવાની કુટેવ વશમાં કરી લીધો હતો. આ ટેવ છોડાવવા માટે તેને સુરત વ્યસ્તમુકિત કેન્દ્રમાં પણ મોકલ્યો હતો. જયાં ચારેક મહિના રોકાયા બાદ પ્રયાસો સફળ થયા હતા અને નશો કરવાનું છોડી દીધું હતું. જો કે આ પછી તે સતત રૂમમાં જ એકલોજ રહેવાનું પસંદ કરતો અને મોબાઇલમાં પબ્જી ગેમ જ રમ્યા કરતો હતો. નશાની ટેવ છુટયા પછી તે માનસિક રીતે પણ ભાંગી પડયો હતો અને ગેમ રમી રમી ચીડીયા સ્વભાવ થઇ ગયો હતો.