ગુજરાત કી હવા મેં વ્યાપાર હૈ !!!

સ્ટીલ પ્લાન્ટ, બંદરોનાં વિકાસ, રેલવે કનેક્ટિવીટી સહિતનાં ઈન્ફ્રાસ્ટ્રકચરને વિકસિત કરાશે: ૨૦ હજાર કરોડનાં રોકાણ સાથે આરસેલર મિતલ ગ્રુપ ગુજરાતમાં પ્રવેશશે

મશહુર ફિલ્મ રઈસનો ડાયલોગ છે, ‘અમ્મી જાન કહેતી થી કોઈ ભી ધંધા છોટા યા બડા નહીં હોતા’ જયારે એ વાત પણ સ્પષ્ટ છે કે, ગુજરાતની હવામાં વ્યાપાર છે દેશની અનેકવિધ નામાંકિત કંપનીઓ પોતાના ઉધોગોને વિકસિત કરવા માટે ગુજરાતનો સહારો લેતી હોય છે. ઉદાહરણરૂપે અદાણી-રિલાયન્સે ગુજરાતનાં વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે પરંતુ આ બંને કંપનીઓને ટકકર આપવા માટે મિતલ ગ્રુપ મેદાને ઉતર્યું છે. ગુજરાતમાં સ્ટીલ પ્લાન્ટ, બંદરોનાં વિકાસ, રેલવે કનેકટીવીટી સહિતનાં ઈન્ફ્રાસ્ટ્રકચરને વિકસિત કરવા માટે મિતલ ગ્રુપ કાર્ય કરશે.

ગુજરાતમાં ઈનફ્રાસ્ટ્રકચર અને ઉત્પાદનમાં ક્ષમતા વધારવા માટે આરસેલર મિતલ ગ્રુપ ૨૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ કરવાથી જમીનની માંગ, પોર્ટ એટલે કે બંદર, રેલવેની કનેકટીવીટી અને મેગા ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે કાર્ય કરશે. આ અંગેની માહિતી ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે મિતલ ગ્રુપનાં લક્ષ્મી મિતલે માહિતી આપી હતી. હાલ ગુજરાત રાજયમાં એસઆર સ્ટીલ ૫ હજાર કરોડનાં રોકાણ સાથે ૮.૬ મિલીયન ટનની ઉત્પાદન કેપેસીટી ધરાવતા પ્લાન્ટનું નિર્માણ કરી રહ્યું છે. આ કરાર સ્ટીલ ઈન્ડસ્ટ્રી માટે સૌથી મોટો કરાર તરીકે પણ પ્રસ્થાપિત થયો છે. સાથોસાથ એસ્સાર સ્ટીલે પરાદિપમાં ૬ એમટીપીએ પેલેટ પ્લાન્ટ સ્થાપ્યા છે. ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથેની વિડીયો કોન્ફરન્સનાં વાર્તાલાપમાં મિતલે જણાવ્યું કે, આરસેલર મિતલ અને નિપોન સ્ટીલ ભારત ૧૦૦ ટકા ઉત્પાદન ક્ષમતા પર કામ કરી રહ્યું છે.

વૈશ્ર્વિક મહામારી કોરોનાને લઈ જે લોકડાઉનની સ્થિતિ જોવા મળી હતી તેનાથી મુખ્યત્વે સ્ટીલ કંપનીઓ તેના ઓપરેશનોને સ્થગિત કરી દીધા હતા અને ૩૦ ટકા ઉત્પાદનમાં ઘટાડો પણ નોંધાયો હતો પરંતુ હાલ જે રીતે ગુજરાતને વિકાસ રથ ઉપર આગળ ચલાવવા માટે જે કામગીરી વિશ્ર્વની નામાંકિત કંપનીઓ કરી રહી છે તેમાં હવે આરસેલર મિતલનો પણ સમાવેશ થયો છે.

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગુજરાત રાજય મુખ્યત્વે તમામ મોટા વિદેશી રોકાણોને આવકારે છે અને તે માટે યોગ્ય વાતાવરણ પણ ઉભું કરવા માટે પ્રયત્નશીલ બન્યું છે.

વિદેશી રોકાણ કરતી કંપનીઓ કે જે ઉત્પાદન ક્ષેત્રે રોકાણ કરતી હોય તેને વિશેષ લાભ આપવા માટે પણ જણાવ્યું હતું.  ભારતમાં ગુજરાત રાજય એક એવું રાજય છે જયાં વેપારની અમુલ તકો ઉપલબ્ધ છે જેને એકત્રિત કરવા માટે વિદેશની અનેકવિધ કંપનીઓ મેદાને આવતી હોય છે. લોકડાઉન દરમિયાન ભારતનાં અનેકવિધ રાજયોને નાણાકિય સંકટનો સામનો કરવો પડયો હતો પરંતુ એકમાત્ર ગુજરાત રાજય જ એવું છે કે જે જેને ખુબ જ ઓછી અસર જોવા મળી છે. ગુજરાતનાં વિકાસ માટે જે મોટા ઉધોગો આગળ આવી રહ્યા છે ત્યારે હવે આરસેલર મિતલ ગ્રુપ ગુજરાતમાં પગદંડો જમાવવા માટે તૈયાર છે જેની સીધી જ અસર ગુજરાતનાં અર્થતંત્ર ઉપર હકારાત્મક અસર જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.