અબતક, રાજકોટ

શીહોર સરકીટ હાઉસ પાસે દારુની ડીલેવરી કરવા જઇ રહેલી કારમાંથી  દારુના જથ્થો મળી આવ્યા બાદ પોલીસે ભાજપના આગેવાનના મકાનમાં માતાજીના રુમના શોકેસની પાછળ ચોરખાનામાંથી રૂ .૪.૩ર લાખની કીંમતનો દારૂ -બીયરના જથ્થો  કબજે કરી  કારના ચાલક સહીત ર શખ્સોની ધરપકડ કરી  છે. જયારે નાસી છુટેલા મકાન માલીક સહીત ર ની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ પ્રાપ્ત વીગત મુજબ ભાવનગર જીલ્લામાં દારુબંધીનો કડક અમલ કરવા જીલ્લા પોલીસ વડા જયપાલસીંહ રાઠોડે આપેલી સુચનાને પગલે શીહોર પોલીસ મથકના પીઆઇ કે.ડી. ગોહીલ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે જીજે ૫ એફ ૯૯૭૫ નંબરની કારમાં દારુની ડીલીવરી કરવા જઇ રહયાની મળેલી બાતમીના આધારે  સરકીટ હાઉસ પાસે  વોચ ગોઠવી હતી.

વોચ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી કારને અટકાવી તલાસી લેતા દારુનો જથ્થો મળી આવતા જેમાં બાડમેરનો કારનો ચાલક સુરેન્દરસીંગ અને એકતા સોસાયટીમાં રહેતો ઉમેશ ઉર્ફે ઇલુ ધનજી મકવાણા નામના બંને શખ્સોની અટકાયત કરી પુછપરછ કરતા કારમાં પોતાની સાથે  સવાર દીનેશ નામનો શખ્સ શીહોર ચોકડી એ ઉતરી ગયેલો અને આ દારુનો જથ્થો એકતા સોસા.માં રહેતા જયેશ ભાણજી મકવાણા ને  આપવાનુ કહેલ. આથી પોલીસે જયેશ મકવાણાના મકાને દરોડો પાડતા માતાજીના રુમમાં શોકેસની પાછળ ચોરખાનામાં છુપાવેલો રૂ .૪.૩૨ લાખની કીંમતનો ૧૫૯૮ બોટલ વીદેશી દારુ અને ૧૩૬ બીયરના ટીન  અને કાર મળી રૂ .૧૨.૯૦ લાખનો મુદામાલ કબજે કર્યો છે.

પોલીસના દરોડાની ગંધ આવી જતા નાસી છુટેલા ભાજપના આગેવાન જયેશ મકવાણા અને દીનેશની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.