મજબૂત કૃષિ ક્ષેત્ર, વિદેશી સંસ્થાગત રોકાણકારો, ઇન્વેસ્ટરોની પરિપક્વતા, મ્યુચ્યુઅલ ફંડમાં વધતા ઇન્વેસ્ટમેન્ટ સહિતના પાસાઓના કારણે સેન્સેક્સ ઐતિહાસિક સપાટીએ
સેન્સેક્સ અંતે ૫૦૦૦૦ પોઇન્ટની ઐતિહાસિક સપાટી તોડવામાં સફળ રહ્યો છે. મજબૂત કૃષિ ક્ષેત્ર, વિદેશી સંસ્થાગત રોકાણકારો, ઇન્વેસ્ટરોની પરિપક્વતા, મ્યુચ્યુઅલ ફંડમાં વધતું ઇન્વેસ્ટમેન્ટ સહિતના પાસાઓના કારણે શેરબજારમાં તેજી જોવા મળી છે. શેરબજાર ઇકોનોમીનું બેરોમીટર હોય કેન્દ્ર સરકારે દેશની આર્થિક પ્રગતિ માટે લીધેલા દૂરંદેશીભર્યા નિર્ણયો શેરબજારની નવી ઊંચાઈ માટે કારણભૂત બન્યા છે.
કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ કાયદા, સબસિડી સહિતના નિર્ણયો લીધા હતા. આ ઉપરાંત નિકાસને વેગવંતી બનાવવા માટે પ્રોત્સાહનો અપાયા હતા. ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના અને વિદેશી રોકાણકારોનું પરિપક્વ બજાર તરફનું વલણ પણ ખૂબ સકારાત્મક રહ્યું છે. વિદેશી સંસ્થાગત રોકાણકારોનું રોકાણ સતત ચાલુ છે. એનેસડીએલના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીમાં અત્યારસુધી ૨૦,૨૩૬ કરોડનું રોકાણ થયું છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ચલણ વધ્યું છે, રોકાણકારો પરિપક્વ બન્યા છે.
બીજી તરફ અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથ ગ્રહણથી વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. એશિયાઈ બજારો કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં ૦.૯૨% અને હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સ ૦.૧૮% તેજી સાથે વેપાર કરી રહ્યા છે. એ જ રીતે ચીનના શાંઘાઈ ઈન્ડેક્સમાં ૧% અને જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં ૦.૯૦%ની તેજી જોવા મળી છે. અમેરિકન બજારોમાં પણ નેસ્ડેક ઈન્ડેક્સ ૧.૯૭% અને જઙ ૫૦૦ ઈન્ડેક્સ ૧.૩૯% ઉપરની સપાટીએ બંધ થયા હતા.
આ લખાય છે ત્યારે, સેન્સેક્સ ૨૮૯ પોઇન્ટના ઉછાળા સાથે ૫૦,૦૮૧ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. વિક્રમી સપાટી ૫૦૧૨૬ની રહી છે. નિફટીએ ૮૪ પોઇન્ટનો કૂદકો લગાવ્યો છે અને ૧૪૭૨૯ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. બેન્કનીફટી ૧૩૪ના ઉછાળા સાથે ૩૨૬૭૯ની સપાટીએ છે.