આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ વિવાદ વિનાની ૬ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાય તેવી સંભાવના: સુરેન્દ્રનગર બેઠક પરથી દેવજી ફતેપરાને ચુંટણી જંગમાં ઉતારવાની કોંગ્રેસની વ્યુહરચના
સુરેન્દ્રનગર, અમરેલી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અમદાવાદ બેઠકને લઈ આંતરીક ખેંચતાણ
ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો પૈકી ૪ બેઠકો માટે કોંગ્રેસે અગાઉ જ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બાકીની ૨૨ બેઠકો પર ટીકીટ ફાળવણીને લઈ કોંગ્રેસમાં ભારે ધમાસાણ ચાલી રહ્યું છે. અનેક બેઠકો પર કોંગ્રેસમાં આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો હોવાના કારણે ઉમેદવારોના નામો જાહેર કરવાનું સતત પાછળ ઠેલાઈ રહ્યું છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે જેમાં વિવાદ વિનાની ૬ બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવે તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગરના વર્તમાન સાંસદ દેવજીભાઈ ફતેપરાને ભાજપે ટીકીટ ન આપતા તેઓ હાલ નારાજ છે. આવામાં કોંગ્રેસે ફતેપરાને સુરેન્દ્રનગર બેઠક પરથી પંજાના પ્રતિક સાથે ચુંટણી જંગમાં ઉતારવાની વ્યુહરચના પણ ઘડી કાઢી હોવાનું ચર્ચાય રહ્યું છે.
કોંગ્રેસે લોકસભાની ચુંટણીની તારીખ જાહેર થયા પૂર્વે જ ગુજરાતની ૪ બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી હતી. દરમિયાન ગત સપ્તાહે કોંગ્રેસ ગુજરાતની ૨૨ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દેશે તેવું માનવામાં આવતું હતું પરંતુ જ્ઞાતીજાતીના સમીકરણો ફિટ ન થતા હોવાના કારણે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા ન હતા. ભાજપે ગુજરાતની ૧૬ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે છતાં કોંગ્રેસ હજી સુધી ૪થી વધુ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરી શકી નથી. સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠક અને અમરેલી બેઠક ઉપરાંત મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અમદાવાદ બેઠક માટે કોંગ્રેસમાં ભારે આંતરીક ખેંચતાણ ચાલી રહી છે. ઉમેદવારો નકકી જેવા હોવા છતાં ટીકીટની ફાળવણી બાદ અસંતોષની આગ ભભુકી ન ઉઠે તે માટે કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરતું નથી.
આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક બાદ જે ૬ બેઠકો પર ઉમેદવારની પસંદગીથી કોઈપણ જાતનો વિવાદ ઉભો થાય તેવી શકયતા નથી તે નવસારી, વલસાડ, બાલડોલી, ગાંધીનગર અને પોરબંદર બેઠક માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવે તેવું લાગી રહ્યું છે. બીજુ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપરાને રીપીટ ન કરાતા તેઓ ભાજપથી ભારોભાર નારાજ છે અને તેઓએ ભાજપ સાથે છેડો ફાડી નાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આવામાં આ બેઠક પર પ્રભુત્વ ધરાવતા કોળી સમાજના મતદારોને પોતાના તરફ ખેંચવા માટે કોંગ્રેસ સુરેન્દ્રનગર બેઠક પરથી દેવજી ફતેપરાને પંજાના પ્રતિક પરથી ચુંટણી લડાવવાના મુડમાં છે.