માતાના આપઘાતથી બે બાળકીઓએ માતાની છત્રછાયા ગુમાવી: પરિવારમાં આક્રંદ
શહેરમાં ભાવનગર રોડ પર માંડાડુંગરની પીઠડઆઈ સોસાયટીમાં દોઢ માસની પુત્રીને નણંદ પાસે મૂકી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બીમારીથી કંટાળી પરણીતાએ આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંડાડુંગરની પીઠડઆઈ સોસાયટીમાં રહેતાં અને મૂળ રાજકોટના બેડલા ગામના વતની હિતેશભાઈ ધનવાણીયાના લગ્ન દસ વર્ષ પહેલાં ખડવાવડીના શ્રદ્ધાબેન સાથે થયાં હતા. તેમને લગ્નજીવનથી સંતાનમાં બે પુત્રીઓ છે.
ગઈકાલે શ્રદ્ધાબેન સાંજે તેમની દોઢ વર્ષની પુત્રીને તેમના નણંદ પાસે મૂકી ઘરેથી નીકળી ગઈ હતી. જે બાદ મોડે સુધી તે ઘરે ન આવતાં પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. તે દરમિયાન ઘરની બાજુમાંથી બેભાન મળી આવ્યા હતાં અને તેમને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું ખુલતાં 108ને જાણ કરી હતી. ત્યાર બાદ 108ના ઈએમટી રમેશભાઈએ પરિણીતાને તપાસી મૃત જાહેર કરી હતી.
બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઈ. એચ.વી.મારવાણીયા દોડી આવ્યા હતાં અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, શ્રદ્ધાબેનને દોઢ માસ પેહલાં પુત્રીનો જન્મ થયા બાદ તેમના પેટમાં ગાંઠ હોવાનું નિદાનમાં સામે આવ્યું હતું. જે બાદ તે માનસિક રીતે ભાંગી પડ્યા હતાં. તેને બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.