છેલ્લા ત્રણ વર્ષમાં ૧૪માં નાણાપંચ અને બચતની ગ્રાન્ટમાં ખોટા રેકર્ડ ઉભા કરી સરકારી નાણા ચાઉ કર્યા: ટીડીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ
જૂનાગઢ તાલુકાના માખિયાળા ગામે પૂર્વ સરપંચ અને જે તે વખતના તલાટી કમ મંત્રીએ ખોટા રેકોર્ડ ઉભા કરી, રૂપિયા ૪૭,૮૩,૧૨૨ ની ઉચાપત કરી ગયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા જુનાગઢ પંથકમાં રાજકીય ગરમાવો આવ્યો છે, તો રાજકીય પોઇન્ટ ગણાતા માખીયાળામાં આ પ્રકરણ ચર્ચાનો વિષય બન્યો છે. માખીયાળા ગામના પૂર્વ સરપંચ રમેશભાઇ વલ્લભભાઇ ગજેરા તથા કે તે વખતના માખીયાળાના અને હાલમાં ઝાલનસર ના તલાટી ક્રમ મંત્રી જી.આર. પરમારે સરકારી નાણાની ઉચાપત કરવા સારૂ પૂર્વ આયોજીત કાવત્રુ રચી જે કાવત્રાના ભાગ રૂપે કુલ ૩ વર્ષના ૧૪મા નાણા પંચના કામોની અને બચત ગ્રાન્ટની જેમા વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ દરમ્યાન કુલ રકમ રૂ. ૨૭,૨૬,૬૮૮ કે જે ચોખ્ખી બચત તેમજ કામ કર્યા વગરની રકમ તેમજ અન્ય રકમ રૂ. ૨૦,૫૬,૪૩૪ કે જેના યુ.ટી.સી. સી.સી. રજુ કર્યા વગર કુલ સરકારી નાણા રકમ રૂ. ૪૭,૮૩,૧૨૨ ની ઉચાપત કરી અને પાછળથી ખોટુ રેકર્ડ ઉભુ કરી તેને સાચા તરીકે રજુ કરી હોવાની જૂનાગઢના તાલુકા વિકાસ અધિકારી એસ. એ. ચાવડાએ જુનાગઢ તાલુકા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ સરપંચ અને તત્કાલીન તલાટી કમ મંત્રીનાં રૂ.૪૭ લાખ જેટલી માતબર રકમનૌ કૌભાંડથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. હાલ આ મામલે રાજકિય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. આ કૌભાંડ માત્ર પૂર્વ સરપંચ અને તલાટી કમ મંત્રી પુરતુ જ સીમીત ન હોય પડદા પાછળ મોટા માથા હોવાની પણ શકયતાઓ હાલ સેવાઈ રહી છે. આ મામલે જો તટસ્થ તપાસ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.