- સરકારી કચેરીઓના દસ્તાવેજો તેમજ કચેરી બહાર લગાવેલા બોર્ડ પણ મરાઠી ભાષામાં લગાવવા આવશ્યક
સ્થાનિક ભાષાને મહત્ત્વ આપતો નિણર્ય મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે એક સરકારી ઠરાવ બહાર પાડ્યો છે જેમાં તમામ સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં મરાઠી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. જીઆર મુજબ, “તમામ સરકારી, અર્ધ-સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, રાજ્ય સંચાલિત નિગમો અને સહાયિત કચેરીઓમાં” કર્મચારીઓએ મુલાકાતીઓ સાથે વાત કરતી વખતે મરાઠી ભાષાનો ઉપયોગ કરવો આવશ્યક છે, સિવાય કે ભારત બહારથી અને અન્ય રાજ્યોમાંથી આવતા મુલાકાતીઓ.
રાજ્ય આયોજન વિભાગ દ્વારા જારી કરાયેલ જીઆર, રાજ્યની મરાઠી ભાષા માટેની નીતિ અંગેના અમલીકરણનો એક ભાગ છે. ” કચેરીઓમાં મરાઠી ભાષાના ઉપયોગ અને મરાઠીમાં વાતચીત અંગે બોર્ડ લગાવવાનું ફરજિયાત કરાયું છે.” જીઆર જણાવે છે કે, “આનો કડક અમલ કરવામાં આવશે. મરાઠીમાં વાતચીત ન કરતા સરકારી અધિકારીઓ/કર્મચારીઓ અંગે સંબંધિત કચેરીના વડા અથવા વિભાગના વડાને ફરિયાદ કરી શકાય છે. ચકાસણી પછી જો કોઈ ખામી જણાશે તો વિભાગના વડા સામે શિસ્તભંગના પગલાં લેવાશે.”
જીઆરમાં વધુમાં જણાવાયું છે કે, “બધી સરકારી કચેરીઓમાં મૂળ દરખાસ્તો, તમામ પત્રવ્યવહાર, ટિપ્પણીઓ, આદેશો, સંદેશાઓ મરાઠીમાં હશે અને ઓફિસ સ્તરે બધી રજૂઆતો અને વેબસાઇટ્સ પણ મરાઠીમાં હશે. કેન્દ્રના ત્રિભાષી સૂત્ર મુજબ, રાજ્યમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ તેમજ તમામ બેંકોમાં નોટિસ બોર્ડ, અધિકારીઓના નામ બોર્ડ, અરજી ફોર્મ મરાઠીમાં હોવા ફરજિયાત રહેશે. સરકારી અને અર્ધ-સરકારી સંસ્થાઓ તેમજ કોર્પોરેશનો, બોર્ડ, સરકાર દ્વારા માન્ય સાહસો, કંપનીઓમાં મરાઠી નામોનો ઉપયોગ સંસ્થાઓના કાર્યમાં કરવામાં આવશે.”
આ ઉપરાંત સરકાર દ્વારા મંજૂર કરાયેલી પ્રવૃત્તિઓ હેઠળના સાહસો દ્વારા મીડિયાને આપવામાં આવતી જાહેરાતોમાં પણ મરાઠી ભાષાનો ઉપયોગ ફરજિયાત રહેશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્ર દ્વારા પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી સાથે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.