કોરોનાના કેસ 48 કલાકમાં બમણા થયા : ઉપમુખ્યમંત્રીએ કહ્યું જો કેસ વધતા રહ્યા તો લોકડાઉન જેવા આકરા નિયમો લાદવા પડશે

અબતક, નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં 48 કલાકની અંદર દૈનિક કોવિડ -19 કેસ બમણા થઈ ગયા છે. રાજ્યમાં શુક્રવારે 8,067 નવા કેસ નોંધાયા હતા જે બુધવારે 3,900 હતા અને મુંબઈમાં બુધવારના 2,445 ની સરખામણીએ 5,428 કેસ નોંધાયા હતા. રાજ્યના આરોગ્ય અધિકારીઓએ તો આને ત્રીજી લહેર ગણાવતા કહ્યું કે આને ઓમિક્રોન-કોવિડ લહેર કહી શકાય છે. જે હવે મહારાષ્ટ્રમાં શરૂ થઈ ગઈ છે.

આ ઉપરાંત સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજો એ વાત પરથી પણ લગાવી શકાય છે કે મહારાષ્ટ્ર રાજ્ય સરકારના રાહત અને પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે, “રાજ્ય સંભવિત લોકડાઉનના દરવાજે છે. હવે માત્ર સમયની જ વાર છે જ્યારે કડક નિયંત્રણો પાછા લાવવામાં આવશે.”

મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ઝડપથી બમણી થવાની સાથે, રાજ્યના જાહેર આરોગ્ય વિભાગે અનુમાન લગાવ્યું છે કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ સુધીમાં મહારાષ્ટ્રમાં સક્રિય કેસ વધીને 2 લાખ થઈ જશે. શુક્રવાર સુધીમાં મહારાષ્ટ્રમાં 24,509 સક્રિય કેસ છે. રાજ્યમાં માત્ર 10 જ દિવસમાં સક્રિય કેસ 21 ડિસેમ્બર (7,093) અને ડિસેમ્બર 31 (24,509) વચ્ચે ત્રણ ગણા વધ્યા છે. મુંબઈમાં પણ 10 દિવસના સમયગાળામાં 2,061 સક્રિય કેસ વધીને 16,441 થઈ ગયા છે.

રાજ્યની જાહેર આરોગ્ય ટીમને લખેલા પત્રમાં, રાજ્યના આરોગ્ય વિભાગના એડિ. મુખ્ય સચિવ પ્રદીપ વ્યાસે શુક્રવારે જણાવ્યું હતું કે, “ઓમિક્રોન વેરિઅન્ટ સહિત કોવિડ -19 કેસ વધી રહ્યા છે અને રાજ્યમાં કોવિડ મહામારીની ત્રીજી લહેરની શરુઆત થઈ ચૂકી છે. “તમામ જિલ્લાઓને ત્રીજા લેહર દરમિયાન આરોગ્ય વ્યવસ્થાઓ પર દર્દીઓના ભારણને નિયંત્રિત કરવા માટે તૈયારીઓ શરૂ કરવા કહેવામાં આવ્યું છે.

ડો. વ્યાસે આગળ કહ્યું કે “ત્રીજી લહેરમાં કોવિડ કેસની સંખ્યા ખૂબ મોટી હશે. જો મૃત્યુદરને આપણે ઓછામાં ઓછો 1% ગણીએ તો પણ ત્રીજી લહેર દરમિયાન 80 લાખ કોરોના કેસ સામે આવે તો રાજ્યમાં 80,000 લોકોના મોત આ મહામારીમાં થઈ શકે છે.” બીજી તરફ મહારાષ્ટ્રમાં સામાન્ય લોકોની જેમ નેતા અને ધારાસભ્યો પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. રાજ્યના 10 મંત્રીઓ અને જુદા જુદા પક્ષોના 20 ધારાસભ્યો કોરોના સંક્રમિત થતા રાજ્ય સરકારની દોડધામ વધી ગઈ છે.

આ અંગે માહિતી આપતા રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પાવરે લોકડાઉન અંગે પણ વાત ઉચ્ચારી હતી. તેમણે આજે સવારે કોરેગાવ ભીમા ગામે આવેલા ઐતિહાસિક વિજયસ્તંભની મુલાકાત લીધી હતી અને પત્રકારો સાથે મહામારી અંગે વાત કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 10 થી વધુ મંત્રીઓ અને 20 ધારાસભ્યોએ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જો રાજ્યમાં કોવિડ -19 કેસ વધવાનું ચાલુ રહેશે તો કડક નિયંત્રણો લાગુ કરવામાં આવશે.

તેમણે આગળ કહ્યું કે, ”અમે તાજેતરમાં વિધાનસભા સત્રને ટૂંકાવી દીધું. અત્યાર સુધીમાં 10 થી વધુ મંત્રીઓ અને 20 થી વધુ ધારાસભ્યોએ કોરોના વાયરસ માટેના ટેસ્ટમાં પોઝિટિવ હોવાનું જણાયું છે. દરેક વ્યક્તિ નવા વર્ષ, જન્મદિવસ અને અન્ય પ્રસંગોની ઉજવણીનો ભાગ બનવા માંગે છે. પરંતુ એ ધ્યાનમાં રાખો કે નવો વેરિઅન્ટ (ઓમિક્રોન) ખૂબ જ ઝડપથી ફેલાય છે અને તેથી સાવધાની જરૂરી છે.” રાજ્યમાં લોકડાઉન કે પછી તેના જેવા વધુ નિયંત્રણો લાદવાની સંભાવના પર, ડે. સીએમ પવારે કહ્યું કે રાજ્ય સરકાર દર્દીઓની વધતી સંખ્યા પર નજર રાખી રહી છે. ”જો દર્દીઓની સંખ્યા વધતી રહેશે તો કડક નિયંત્રણો લાદવા પડશે. કડક પ્રતિબંધ ટાળવા માટે દરેક વ્યક્તિએ કોવિડ નિયમોનું પાલન કરવું જોઈએ.”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.