રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવાના અનેક પ્રયાસો નિષ્ફળ: બન્ને દેશો ઉપરાંત વિશ્વભરના દેશોને પણ આર્થિક અસર
અબતક, નવી દિલ્હી
રશિયા- યુક્રેન યુદ્ધને હજુ એક અઠવાડીયું નથી થયું ત્યાં ત્યાં વિશ્વ આખાને આર્થિક અસર પહોંચવાનું શરૂ થઈ ગયું છે. જો કે જેમના વચ્ચે યુદ્ધ ચાલે છે તેવા દેશ રશિયા અને યુક્રેનમાં તો આર્થિક સંકટ ઘેરું બની જ ગયું છે. પણ હજુ બે અઠવાડીયા આ યુદ્ધ લંબાશે તો વિશ્વભરમાં આર્થિક સંકટ ફરી વળશે.
રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે છેલ્લા એક અઠવાડિયાથી વિશ્વમાં અનેક આર્થિક અસરો પહોંચી છે. ક્રૂડના ભાવ આસમાને પહોંચી ગયા છે. બન્ને દેશો સાથે આયાત નિકાસનો સબંધ ધરાવતા દેશોના પણ આ યુદ્ધની આર્થિક અસર મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. બીજી બાજુ યુક્રેન અને રશિયા ક્રૂડનું મોટું પીઠું હોય, વિશ્વના તમામ દેશોમાં ક્રૂડના ભાવને લઈને ચિંતા વધી છે.આ ઉપરાંત વિશ્વના મોટાભાગના દેશોમાં શેરમાર્કેટને પણ આ યુદ્ધની અસર પડી છે.
બીજી બાજુ યુદ્ધગ્રસ્ત એવા યુક્રેન અને રશિયાનું અર્થતંત્રતો તળિયે ગયું છે. યુક્રેન તો આખું તબાહ થઈ ગયું છે.તો સામે રશિયા પણ તેની કરન્સી નીચે જવી, માર્કેટ નીચે જતા બંધ રાખવી, કેશની અછત સહિતના અનેક પ્રશ્નોથી પીડાઈ રહ્યું છે. હજુ તો યુદ્ધને એક અઠવાડીયું પણ થયું નથી. જો આ યુદ્ધ હજુ બે અઠવાડિયા ચાલશે તો બન્ને દેશનું અર્થતંત્ર પડી ભાંગશે. સાથોસાથ વિશ્વભરના દેશોના અર્થતંત્રને પણ મોટા પ્રમાણમાં નુકસાન કરશે.
- આર્થિકઅસર
રશિયા- યુક્રેનના યુદ્ધના કારણે વિશ્વ આખાને આર્થિક અસર ભોગવવી પડી અહીં છે. ક્રૂડ, સોના, ચાંદીના ભાવ ટોચે પહોંચી ગયા છે.બીજી બાજુ અનેક દેશોમાં મોંઘવારી વધવાનો પણ ભય સતાવી રહ્યો છે. આ ઉપરાંત રશિયા ઉપર નાટોએ લગાવેલા પ્રતિબંધોને કારણે હવે બ્રિક્સ દેશોની કરન્સી શરૂ થવાની શકયતા પણ તેજ બની છે. યુદ્ધથી ન માત્ર યુક્રેન- રશિયાને પણ વિશ્વ આખાને ખરાબ આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
- સામાજીક અસર
યુક્રેન- રશિયાના યુદ્ધને કારણે બન્ને દેશો ઉપરાંત વિશ્વના દેશોને પણ સામાજિક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.એક તો યુક્રેનિયન અને રશિયન સૈનિકોના મોત થયા છે. જેની અસર સમાજ ઉપર પડી છે. બીજી તરફ યુક્રેનને તો વર્ષો સુધી આ સામાજીક અસર ભોગવવી પડશે. આ ઉપરાંત યુદ્ધના અંત બાદ પણ રશિયાને વિશ્વના દેશો એક અલગ નજરે જ જોશે. જેનું પરીણામ રશિયન લોકોએ ભોગવવાનો વારો આવશે.
- રાજકીય અસર
રશિયા- યુક્રેનના યુદ્ધથી વિશ્વના બે ફાડા પડવા જઈ રહ્યા છે. યુક્રેન અને યુરોપના દેશો એક થઇ ગયા છે. બીજી બાજુ રશિયા એકલું પડી ગયું છે. યુદ્ધ ભલે વિરામ પામે પણ રાજકીય અસર લાંબા સમય સુધી ચાલુ રહેવાની છે. કારણ કે યુરોપિયન દેશોના રાજકીય સમીકરણો હવે રશિયન સરકાર વિરુદ્ધના જ હશે. બીજી બાજુ યુક્રેનની ભૂતકાળની સરકાર રશિયા સાથે જ હતી. પણ છેલ્લા થોડા વર્ષોથી નવી સરકારનો ઝુકાવ યુરોપ તરફ રહેતા જ આ યુદ્ધની નોબત આવી હોવાનું માનવામાં આવે છે.