મોટી કુંકાવાવના પતિ,સસરા, નણંદ,નણંદોયા અને ફઈજીસાસુ વિરૂદ્ધ મહિલા પોલીસમાં નોંધાતો ગુનો
શહેરનાં સાધુ વાસવાણી રોડ પરનાં અંજની પાર્ક શેરી નંબર-3માં માવતરને ત્યાં રહેતી પરણિતાએ તેના મોટી કુંકાવાવના પતિ,સસરા, નણંદ,નણંદોયા અને ફઈજીસાસુ વિરૂદ્ધ મહિલા પોલીસમાં કરિયાવર માંગી ત્રાસ આપ્યાની ફરિયાદ નોધવતા પોલીસે પતિ સહિત પાંચ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ સાધુ વાસવાણી રોડ પર રહેતા રીનાબેન નામની 35 વર્ષની પરણિતાએ પતિ ચંદ્રશેખર, સસરા ઓધળભાઈ મનસુખ વાજા, (રહે, બંને, જંગર ગામ, તા. મોટીકુંકાવાવ), નણંદ કાજલબેન, નણંદોયા અજયભાઈ બાબુભાઈ પરમાર (રહે, બન્ને બાબરા) અને ફઈજી ભાનુ ઉર્ફે ભાવનાબેન નંદકીશોર ભાયાણી (રહે, બાબરા) વિરૂધ્ધ દહેજ સહિતનાં મુદ્દે ત્રાસ આપી, મારકુટ કર્યાની ફરીયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે.જેમાં તેણે જણાવ્યું છે કે, 2017માં તેના લગ્ન થયા હતાં.
લગ્ન જીવનથી એક પુત્રીની પ્રાપ્તી થઈ હતી. લગ્નના આઠેક દિવસ બાદ પતિ સાથે નાનામવાના શ્રીરામ પાર્ક શેરી નંબર-2માં ભાડાનાં મકાનમાં રહેવા આવી હતી. જયાં છ મહિના સુધી ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ પતિએ એક દિવસ તેના માવતર સાથે વાત નહી કરવા અને સાસરીયામાં સામેથી ફોન કરવાનું કહી ઝઘડો કર્યો હતો.એક દિવસ તેણે માવતરને ફોન કરતાં પતિએ તેનો અને પોતાનો મોબાઈલ તોડી નાખી તેને મારકુટ કરી હતી.
તેના સસરા અવારનવાર રાજકોટ આવી નાની નાની વાતમાં ઝઘડા કરતા હતાં. સાથોસાથ તારા બાપે કરીયાવરમાં કશુ દીધું નથી તેમ કહી બોલાચાલી કરતા. પતિ સાથે જંગર ગામે જતી ત્યારે નણંદ વાસી રસોઈ જમવાની ફરજ પાડતી. જેથી તે રસોડામાં રસોઈ બનાવવા જાય તો નણંદોયા અને સસરા “તારા બાપનું ઘર નથી.
જે મળે તે જમી લેવાનું નહિતર ભુખ્યા રહેવાનું.” તેમ કહેતા હતા.આ ઉપરાંત સાસરીયા પક્ષના સભ્યો અવારનવાર એવા મેંણા મારતા કે તારા સમુહલગ્નમાં લગ્ન કરાવ્યા છે. તારા બાપને કોઈ ખર્ચો થયો નથી. જેથી તું માવતરેથી કરીયાવર લઈ આવ. તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા.ત્યાર બાદ જ્ઞાતિનાં આગેવાનો મારફત સમાધાનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નિષ્ફળ ગયો હતો. જેથી આખરે કંટાળી ફરીયાદ નોંધાવી હતી.