- કરોડોની જગ્યા મામલે થયેલી ફરિયાદમાં કમલેશ રામાણીની ધરપકડ સામે કોર્ટનો સ્ટે
- સમજ્યા વિનાની પ્રેસ કોન્ફરન્સ આફત નોતરે!
મેંગો માર્કેટ પાછળની 4.35 એકર જમીનના ગોબરા વહીવટ મામલે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એકવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે સુનાવણી દરમિયાન હાઇકોર્ટમાં બિલ્ડર ગ્રુપ દ્વારા કરાયેલી પત્રકાર પરિષદ અને તેમાં રજૂ કરવામાં આવેલી વિગતોને હાઇકોર્ટએ ગંભીરતાથી લીધી હતી. બચાવ પક્ષના સિનિયર વકીલોએ પત્રકાર પરિષદ અંગે જાહેર પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલો કોર્ટ સમક્ષ મુકતા અદાલતે આ મુદ્દાને ગંભીરતાથી લઇ કબ્જા તેમજ પોલીસની ભૂમિકા અંગે શંકા ઉપજાવે તેવી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન અદાલતે કમલેશ રામાણીની ધરપકડની હાલ જરૂરિયાત નહિ હોવાનું નોંધી મનાઈ હુકમ ફરમાવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત હાઇકોર્ટમાં કમલેશ રામાણીએ વરિષ્ઠ ધારાશાસ્ત્રી નિરૂપમ નાણાવટી, આશિષ ડગલી મારફત કરેલી અરજીની સુનાવણી કરતા વકીલ નાણાવટીએ હાઇકોર્ટના રેકોર્ડ પર મૂક્યું હતું કે, બી ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસની કલમ 309 હેઠળ સીસીટીવી લૂંટની ફરિયાદ મયુર રૂપારેલિયા અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં મેંગો માર્કેટ પાછળની રેવન્યુ સર્વે નંબર 37 પૈકી 1/2ની 4.35 એકર જમીનમાં ચાલી રહેલા દીવાની દાવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે દાવામાં નીચલી અદાલતે જમીનના વેચાણ, કબ્જા સહીતની બાબતે સ્ટે આપવામાં આવ્યો હતો.
સીસીટીવી લૂંટની તપાસના કામે પોલીસ દ્વારા કથિત રીતે સીસીટીવી કેમેરા કમલેશ રામાણીની ઓફિસમાંથી કબ્જે કરવામાં આવ્યા હતા તેવું દર્શાવવામાં આવ્યું હતું અને મયુર રૂપારેલિયાની ધરપકડ કરવામાં આવી હતી. મયુરને રાત્રીના 2:30 વાગ્યે લોકઅપમાંથી બહાર કાઢીને માર મારવાની ધમકી આપી ભુપત બાબૂતરનું નામ ગુનામાં ખોલાવવામાં આવ્યું હતું તેવું મયુર રૂપારેલિયાએ હાઇકોર્ટમાં જણાવ્યું છે. ત્યારે જાણી જોઈને કમલેશ રામાણી અને ભુપત બાબૂતરને આ ગુનામાં આરોપી તરીકે જોડી દેવામાં આવ્યા છે તેવી રજુઆત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.
સીસીટીવીની લૂંટમાં કમલેશ રામાણીનું નામ ખુલ્યા બાદ બચાવ પક્ષે ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 482 હેઠળ કોસીંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે મામલે રજૂઆત કરતા એવું જણાવવામાં આવ્યું હતું કે, વાદગ્રસ્ત જમીન સાથે અસીલને કોઈ લેવાદેવા નથી. જમીનમાં કોઈ હિત છુપાયેલું નથી. જમીન માલિક તેમજ ફરિયાદી વચ્ચે સિવિલ મેટર ચાલુ છે અને લૂંટની ખોટી ફરિયાદ લઈ જમીનનું સેટલમેન્ટ કરાવવા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
જયારે સરકાર પક્ષે રજુઆત કરવામાં આવી હતી કે, જે બંને શખ્સોના નામ ખુલવા પામ્યાં છે તેઓ વિરુદ્ધ અગાઉ અનેક ગુના દાખલ થઇ ચુક્યા છે. ઉપરાંત કમલેશ રામાણીની ઓફિસમાંથી જ સીસીટીવી કેમેરા કબ્જે કર્યા છે જેથી આ ગુનામાં તેમની ભૂમિકા શંકાસ્પદ છે.
સામે કમલેશ રામાણી વતી એડવોકેટ નાણાવટીએ દલીલ કરી હતી કે, સીસીટીવી લૂંટની ફરિયાદ દાખલ કરાવવા પાછળનું એકમાત્ર કારણ એવુ છે કે, બિલ્ડર ગ્રુપને મેંગો માર્કેટની પાછળ આવેલી જમીનનો કબ્જો આપવાનો નીચલી અદાલતે ઇન્કાર કરી સ્ટે આપ્યો હતો. જેથી આ ગુનો દાખલ કરાવી પોલીસ હસ્તક જમીનનું સેટલમેન્ટ કરાવવા માટેનું આખેઆખું ષડયંત્ર કરવામાં આવ્યું છે. સરકાર પક્ષે ધરપકડ સામે મનાઈ હુકમ ણ કરવો જોઈએ તેના માટે જે અગાઉ ગુના દાખલની થયાની દલીલ કરવામાં આવી હતી તેની સામે બચાવ કરતા સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકી બચાવ પક્ષે જણાવ્યું હતું કે, ગમે તેવો હિસ્ટ્રીશીટર હોય તે પણ એફઆઈઆર કોશિંગ માટે અરજી કરવા અધિકાર ધરાવે છે.
સમગ્ર મામલે એડવોકેટ નાણાવટીએ એક મહત્વપૂર્ણ બાબત હાઇકોર્ટના ધ્યાને મૂકી હતી કે, જયારે સીસીટીવીની લૂંટ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે બિલ્ડર ગ્રુપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બી ડિવિઝન પોલીસના પીઆઈ-પીએસઆઈ દ્વારા કરાઈ રહેલી તપાસના વખાણ કરવામાં આવ્યા હતા. જે બાબત પણ શંકા ઉપજાવનારી છે.
ત્યારે હાઇકોર્ટએ બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ હાલના તબક્કે કમલેશ રામાણીની ધરપકડની જરૂરિયાત જણાતી ન હોય હાલ ધરપકડ સામે મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે જયારે તપાસ પણ ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યા છે.
મેંગો માર્કેટની વિવાદિત જમીનના ગોબરા વહીવટમાં ટૂંક સમયમાં મોટા કડાકા-ભડાકાના એંધાણ’
મેંગો માર્કેટ પાછળની વિવાદિત 4.35 એકર જમીનના ગોબરા વહીવટમાં આગામી દિવસોમાં મોટા કડાકા ભડાકાના એંધાણ છે. એકતરફ સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચી જવા પામ્યો છે અને હાઇકોર્ટ આ મામલે આકરાપાણીએ હોય પીએસઆઈ મારૂને જિલ્લા બહાર બદલી કરવાની ફરજ પાડી હતી. હજુ આ મામલે હાઇકોર્ટમાં પણ આગામી દિવસોમાં મોટા ઘટસ્ફોટ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે બીજી બાજુ પોલીસબેડામાં પણ આ મામલે કશુંક હલચલ થઇ રહ્યાની ધ્રુજારી સંભળાઈ રહી છે. પોલીસ તંત્ર પણ ગુપચૂપ કંઈક તૈયારી કરી રહી હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલે મોટા કડાકા ભડાકા થાય તેવી શક્યતાઓને નકારી શકાતી નથી.
વિરાણી સ્કૂલની કેન્ટીનમાં પીઆઈ પુત્રની ’અરજી’ નામંજૂર થતાં ડખ્ખો વકર્યો
કમલેશ રામાણી વતી હાઇકોર્ટમાં જયારે દલીલ ચાલી રહી હતી ત્યારે એક એવો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો છે કે, અરજદારના કુટુંબીજનોના નામે વિરાણી સ્કૂલનું ટ્રસ્ટ ચાલુ છે. તેમાં બી ડિવિઝન પીઆઈના પુત્રએ શાળા પરિસરમાં કેન્ટીન બનાવવામાં માટે ટ્રસ્ટ સમક્ષ અરજી કરી હતી પણ આ અરજી નામંજૂર કરી દેવામાં આવતા તે બાબતનો ખાર રાખીને બી ડિવિઝન પીઆઈએ બદલો લેવાની ભાવનથી આ કાર્યવાહી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો થોડા દિવસો પૂર્વે રાજકોટના બી-ડિવિઝન પોલીસ મથકમાં એક બિલ્ડરે તેની જમીન પરથી 3 શખ્સે સીસીટીવી કેમેરાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં 30 કરોડની જમીન કાચા વ્યવહારને લીધે ગોબરી થયાંનું સામે આવ્યું હતું. દિલીપભાઈ કરસનભાઈ મકવાણા નામના જમીન માલિકે કરેલી અરજીમાં આરોપી તરીકે સંજયભાઈ ઈશ્વરભાઈ ઘાટલિયા, રસિકભાઈ અરજણભાઈ ભલગામા, દિનેશભાઈ નાનાલાલ ચૌહાણ, મનસુખભાઈ શીવાભાઈ તલસાણીયા, હંસાબેન વિનોદભાઈ કોશિયા, પ્રફુલભાઈ હીરાભાઈ નડીયાપરા અને ગોવિંદભાઈ છગનભાઈ લાઠીયાનું નામ આપી આ સાતેય શખ્સોએ કીમતી જમીન પચાવી પાડવા ખોટા લખાણો ઉભા કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ધાકધમકી અને ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવા આક્ષેપ કર્યા છે.