ગળુ દાબી મોતને ઘાટ ઉતારી પરપ્રાંતિય શખ્સ ફરાર
જેતપુરના ધારેશ્વર રોડ પર જીઆઇડીસી પાસે આવેલા ઓમ ફાયબર નામના પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય યુવાનની લાશ મળી આવ્યા બાદ તેનું ગળુ દાબી મોતને ઘાટ ઉતારવામાં આવ્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અભિપ્રાય આવતા પોલીસે ઓમ ફાયબર નામના કારખાનામાં ગુમ થયેલા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
મુળ હરિયાણાના કરનાલ ગામના વતની વૈદ પ્રકાશ લક્ષ્મીચંદ નામના યુવાનની ગઇકાલે મોઢામાંથી ફીણ નીકળેલી હાલતમાં લાશ મળી આવતા પી.આઇ. વી.આર.વાણીયા સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો.
વૈદ પ્રકાશ લક્ષ્મીચંદનુ પોસ્ટમોર્ટમ બાદ તેનું ગળુ દાબી પાસડી ભાંગી જવાના કારણે મોત નીપજ્યાનો અભિપ્રાય આપ્યો હતો. વૈદ પ્રકાશની લાશ મળી ત્યારથી તેની સાથે કામ કરતા ગોપાલ રામાનંદ નામનો શખ્સ ફરાર હોવાથી તેને હત્યા કર્યાની શંકા સાથે શોધખોળ હાથધરી છે.
વૈદ પ્રકાશ લક્ષ્મીચંદે થોડા દિવસો પહેલાં જ તેના ગામ કરનાલથી ગોપાલ રામાનંદને જેતપુર મજુરી કામ અર્થે તેડાવ્યો હતો. બંને વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતા હત્યા કર્યાની શંકા સાથે શોધખોળ હાથધરી છે. ગોપાલ રામાનંદ ઝડપાયા બાદ હત્યા શા માટે કરી તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.