વોંકળામાં ખડકાયેલા ૩ કાચા-પાકા મકાન, ૨ પતરાવાળી ઓરડી અને ૩ પ્લીન્થ લેવલના બાંધકામોનો સફાયો: પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ
મહિલા ઈજાગ્રસ્ત થતા ૧૦૮ બોલાવવી પડી: સિવિલમાસારવાર હેઠળ
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વન વીક વન વોંકળા ઝુંબેશ અંતર્ગત આજે વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં રણુજા મંદિર પાસેના વોંકળામાં ખડકાયેલા દબાણ હટાવવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દબાણકર્તાઓ અને કોર્પોરેશનના સ્ટાફ વચ્ચે માથાકૂટ સર્જાય હતી જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત બનતા તાબડતોબ ૧૦૮ બોલાવવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં રણુજા મંદિર પાસે વોંકળામાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.
ડિમોલીશન અટકાવવા માટે સ્થાનિકોના ટોળા એકત્ર થઈ ગયા હતા જેમાં ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ લગાવ્યો હતો. ડિમોલીશન વેળાએ સર્જાયેલી માથાકુટમાં કંકુબેન મુન્નાભાઈ ચૌહાણ નામની મહિલાને માથાના ભાગમાં ઈજા થતાં બેભાન થઈ ગઈ હતી જેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
બીજી તરફ કોર્પોરેશનની વિજિલન્સ શાખાના સુત્રોએ જણાવ્યું હતું કે, ડિમોલીશન વેળાએ લાઠીચાર્જ થયો હોવાની વાત સાવ ખોટી છે. કારણકે બંદોબસ્ત માટે માત્ર ૩ પોલીસ જવાનો મોકલવામાં આવ્યા હતા.
વોંકળામાંથી ઈંટના ભથ્થાનું દબાણ દુર કરવામાં આવ્યું ત્યારે કોઈ શખ્સો ઈંટો ઉછાળતા મહિલાને માથામાં ઈંટ વાગી હતી અને લોહી નિકળતા તેને સિવિલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. લાઠીચાર્જના કારણે મહિલા ઘાયલ થઈ હોવાની વાત ખોટી છે.
કોઠારીયામાં રણુજા મંદિર પાસે ડિમોલીશન દરમિયાન વચ્છરાજનગરમાં મુન્નાભાઈ જીવાભાઈ ચૌહાણ નામના આસામીનું એક કાચું મકાન, સોમાભાઈ લઘુભાઈ ચૌહાણ નામના વ્યકિતનું કાચુ મકાન, વચ્છરાજનગરના વોંકળામાં બે પતરાવાળી ઓરડી અને ત્રણ કલીન્થ તથા રામરણુજા સોસાયટી પાસેના વોંકળામાં એક પાકા મકાનનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com