છ મકાન અને એક દુકાનના તાળા તુટતા લોકોમાં ભયનું લખલખુ: પોલીસની ઉંઘ હરામ
ખંભાલીયામાં તસ્કરોએ એક રાતમાં છ મકાન તથા એક દુકાન સહીત એક સાથે સાત સ્થાનોમાં ચોરી કરી છે. પોલીસને ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવ્યો છે. આ ચોરીનું પગેરુ મેળવવા પોલીસે ડોગ સ્કવોર્ડ સહીતની તપાસ આદરી છે.
ખંભાલીયામાં ત્રણ હાઇવે વચ્ચે આવેલા રાત દિવસ ધમધમતા હરસિઘ્ધિનગરમાં મકાનને તાળા લગાવી બહાર ગામ ગયેલા છ જેટલા રહેવાસીઓ તથા એક અનાજ કરિયાણાના વેપારી સહીત પાંચ કલાકમાં સાત સ્થળે ચોરી કરી છે. ચોરી થઇ ગયેલી વસ્તુ કે માલ મતાની સત્તાવાર વિગત જાહેર થઇ નથી પરંતુ તસ્કર ગેંગે મકાનના બારણા કબાટ તિજોરીઓ ખોલી ખાખાખોળા કર્યા હતા.
સોના-ચાંદીની વસ્તુ તથા રોકડ રૂપીયા સાથે લાખોની મતા ચોરાઇ હોવાનું અનુમાન છે. અત્યાર સુધીમાં માત્ર બે મોટર સાયકલ ચોરાઇ હોવાની ફરીયાદ કરવામાં આવી છે. ગણતરીના કલાકોમાં તસ્કરોએ જે પરાક્રમ પ્રદર્શિત કર્યુ છે ત્યારબાદ ગોધારી પટ્ટી ને સાઇડ કરી દોડતી પોલીસ આસપાસ આજુબાજુ ચારે તરફ ગંધ પારખુ શ્વાસનને દોડાવી તપાસનું પગેરુ હાથ ધર્યુ છે.
એકાદ દસકા પૂર્વે ચિંતાનો વિષય બનેલ મિશન ચોરીએ કૃત્રિમ સમસ્યાની હારમાળા સર્જી લોકોની તથા પોલીસની નિંદર હરામ કરી દીધી હતી. પોલીસ ઉપરાંત જે તે વિસ્તારમાં જથ્થાબંધ લોકોએ તેમના વિસ્તારની પહેરીગીરી ખુદ કરવા આયોજન કર્યુ હતું.
બાહોશ અધિકારીની કાબેલીયતની પરીક્ષા કરી લેતા આ મિશન નો પુન: પ્રારંભ થાય એ પહેલા પ્રાસંગીકો અને પ્રવચનોને વિરામ આપી પરસ્પર ખો આપવાની વારસાગત પરંપરા છોડી સત્તા અને પ્રજાએ સલામની માટે સતર્કતા દાખવવાની સમયની જબરી માંગ છે તાડા તૂટી ગયા તિજોરીની સફાઇ થયા બાદ ડોગના આંટા ફેરાનો અર્થ શું ?